૧ મે : ગૌરવવંતા ગુજરાતીઓએ ગુજરાતીપૂર્વક ઉજવવાનો દિવસ

બીજું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ વર્ષ ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું અને ૧૫મી ઓગષ્ટ,૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું.

વર્ષ ૧૯૫૦માં બંધારણ મુજબ ચાર ભાગમાં રાજ્યોને વર્ગીકૃત કરવામાં આવ્યા. ભાગ એ,બી,સી અને ડી. પરંતુ ધીમે ધીમે દક્ષિણ ભારતમાંથી ભાષાને આધારે રાજ્યોની પુનર્રચના ની માંગ શરૂ થઈ. જેના લીધે જૂન,૧૯૪૮ માં ભારત સરકારે એસ.કે. ધારની અધ્યક્ષતા માં એક કમિશન રચ્યું. અને તેનો અહેવાલ ડિસેમ્બર,૧૯૪૮માં આવ્યો. કમિશન એ જણાવ્યું કે રાજ્યનું પુનર્ગઠન વહીવટીય સરળતા આધારે કરવું જોઈએ નહિ કે ભાષાના આધારે.

ફરી ડિસેમ્બર ૧૯૪૮માં ભાષાકીય પ્રાંત કમિટી બેઠી, જેવિપી કમિટી. તેના સભ્યો હતાં, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સિતારમૈયા. તેમનો રિપોર્ટ એપ્રિલ,૧૯૪૯માં આવ્યો. અને ભાષાને આધારે રાજ્યની પુનર્રચનાનાં દાવાનો ઇન્કાર કરી દિધો.

ઑક્ટોબર ૧૯૫૩માં મદ્રાસ માંથી તેલુગુ ભાષા બોલતા લોકો એ અલગ રાજ્યની માંગણી કરી. અને ભૂખ હડતાળ ને લીધે પોટ્ટી શ્રીમાલું નું અવસાન થતાં સરકારે અલગ રાજ્યની માંગને સ્વીકારવાની ફરજ પડી.

ફરી વર્ષ ૧૯૫૩માં ભારત સરકારે દેશમાં રાજ્યોની પુનર્રચના માટે ફઝલ અલીના પ્રમુખપદે એક ‘રાજ્ય પુનર્રચના પંચ’ નીમ્યું.જેના બીજા બે સભ્યો હતાં, કે.એમ.પાનીકર અને એચ.એન.કુંજરું. જેણે દેશના વિવિધ વિસ્તારોમાં ફરીને સપ્ટેમ્બર,૧૯૫૫માં ભારત સરકારને અહેવાલ સુપરત કર્યો. અને મહદઅંશે ભાષાને આધારે રાજ્યોના પુનર્ગઠન ને સ્વીકાર્યું પરંતુ ‘એક ભાષા-એક રાજ્ય’ ની થિયરીને અવગણી કાઢી. અને તેને આધારે સોળ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું.

ફરી સાતમાં બંધારણીય સુધારા રાજ્ય પુનર્ગઠન અધિનિયમ,૧૯૫૬ મુજબ ૧ નવેમ્બર ૧૯૫૬નાં રોજ ચૌદ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશો અમલમાં આવ્યા.તેમાં ‘બૃહદ મુંબઈ રાજ્ય’ની ભલામણ પણ કરવામાં આવી હતી.પંચે કરેલી ભલામણ અનુસાર, ભાષાના આધારે રાજ્યોની રચના કરવી જોઈએ, પણ ‘બૃહદ મુંબઈ રાજ્ય’ દ્વિભાષી રહેવું જોઈએ. અને ૮ ઑગસ્ટ,૧૯૫૬ના વર્તમાનપત્રોમાં સમાચાર આવ્યા કે લોકસભામાં દ્વિભાષી મુંબઈ રાજ્યનો ઠરાવ પસાર કરાયો છે. મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા.પણ બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે ૧૯૫૬માં જ નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરાયેલા ‘મહાગુજરાત ચળવળ: એક અધ્યયન’ નામના શોધનિબંધમાં અપેક્ષા પી. મહેતા લખે છે કે, “મહાગુજરાતની રચના કરવાની ઉતાવળ ગુજરાતની સામાન્ય પ્રજાએ કરી જ નહોતી.પણ, ખુદ સત્તા પક્ષે આ દિશામાં એક પછી એક પગલાં ભરવાં માંડ્યાં અને તેના પરિણામ રૂપે મહાગુજરાતની ચળવળ ઊભી થઈ.”

સ્વ.ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર,૧૯૫૬માં ‘મહાગુજરાત જનતા પરિષદ’ની રચના કરવામાં આવી.

“મહાગુજરાત”નો વિચાર ‘કુમાર’ નામના એક સામયિકમાં વર્ષ ૧૯૨૮માં કનૈયાલાલ મુનશીએ ટાક્યો હતો અને વર્ષ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

રમણભાઈ પંચાલ જણાવે છે કે ‘અમે બધા કોલેજના વિદ્યાર્થીઓ ૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે નેતાઓને રજૂઆત કરવા માટે ગયા હતા. અમારા હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ તૈયાર હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીઓ છોડાઈ. એ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા અને આશરે સો જેટલા લોકો ઘાયલ થયા.ગોળીબારથી લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. હિંસક બનાવો બન્યા. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઇએ ઉપવાસ કર્યા. મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને તેમની નેતાગીરીને તમાચો માર્યો. અને અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. ઈન્દુલાલ યાજ્ઞિક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનની ઓટલી ઉપર જ શહીદ સ્મારક મુકવાની જાહેરાત કરી. ખંતિલા યુવાનોને સ્મારકની કામગીરી સોંપાઈ. કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યુ હતુ. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭મી ઓગસ્ટે રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલી ઓટલી તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮મી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી લેવામાં આવ્યું અને એ પછી સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહનું નામ આપવામાં આવ્યું.

ખાંભી ગોઠવાઈ જવાથી લોકોનો જુસ્સો વધ્યો.આ જ એ સમય હતો કે જ્યારે ‘લે કે રહેંગે મહાગુજરાત’ના નારાઓ અમદાવાદ અને રાજ્યનાં અન્ય શહેરોને ગજવવા લાગ્યા.
સરકારે રાતોરાત એ સ્મારકને ત્યાંથી હટાવી દેવું પડયું.(આજે એ અસલ સ્મારક ત્યાં નથી. પાછળથી નવું સ્મારક બનાવાયું.) અત્યાર સુધી ધીમે ધીમે ચાલતા આંદોલનને આ ઘટના પછી વેગ મળ્યો. અનેક લોકો સત્યાગ્રહમાં જોડાયા. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી.

અંતે સરકારે આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું અને બે વર્ષ પછી ૧ મે,૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના થઈ.

છેલ્લે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ગુજરાત રાજયે સત્તાના વિકેન્દ્રિકરણનો સિદ્વાંત સ્વીકાર્યો, જેથી જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સત્તાનું વિકેન્દ્રિકરણ થયું અને વિકાસમાં જિલ્લા પંચાયતોનો ફાળો મળવાનો શરૂ થયો.

તણખો


હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી .

હું ગુર્જર ભારતવાસી.

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી .

હું ગુર્જર ભારતવાસી.

ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી .

હું ગુર્જર ભારતવાસી.

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી .

હું ગુર્જર ભારતવાસી.

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.

~ઉમાશંકર જોશી


ડો.ભાવિક આઇ. મેરજા

Related posts

Leave a Comment