મગનલાલ ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું : ભડવીર ગાંધીજી

શહીદ દિવસ એટલે કે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ, હજુ બે દિવસ પહેલાં જ (૩૦ જાન્યુઆરી) ગયો. સોશિયલ મીડિયા પર ગાંધીજી વિરોધી-ગાંધીજી પ્રત્યે ઝેર ઓકતી પોસ્ટનો રીતસરનો મારો થયો… નથુરામ ગોડસે અમર રહો એવી પોસ્ટ પણ ઘણી આવી. અને ગાંધીજીને બેફામ ગાળો આપીને- ગોડસેપુજકો એ ગોડસેનાં કાર્યને બિરદાવીને પોતાની કહેવાતી હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી છાપ મૂર્ખ રીતે ઉભી કરવાની નાકામ કોશિશ કરી!

સંસ્કૃત કહેવત ‘अति सर्वत्र वर्जयेत्’નો મતલબ આપણે હજું સમજી શક્યાં નથી. અતિરેક માટે ભાગે નુકશાનકારક નીવડે. પછી એ રાષ્ટ્રવાદ હોય, ધર્મ હોય, કે કંઈ પણ હોય! અતિ રાષ્ટ્રવાદ કે કટ્ટર ધાર્મિકતાનું પરિણામ છેવટે યુદ્ધ કે હત્યાકાંડ જ આવે. ગુરુદેવ ટાગોર તો કહેતાં કે, ‘દેશભક્તિ આપણો અંતિમ આધ્યાત્મિક સહારો ના બનવી જોઇએ. મારો આશય માનવતા છે. હું હીરાની કિંમતે કાચ નહી ખરીદું. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી માનવતાં ઉપર દેશ-ભક્તિની જીત નહી થવા દઉં!’ ભૂતકાળમાં પણ આપણે આવી ઘટનાઓનાં સાક્ષી બની ચૂક્યા છીએ, છતાં પણ આપણી આંખો હજું ખુલી હોય એવું લાગતું નથી.

‘આંખની સામે આંખ દુનિયાને આંધળી બનાવી દેશે!’ આવું ગાંધીજી વારંવાર કહેતાં આવ્યાં છે. પણ એને હજું આપણે જીવનમાં ઉતારી શક્યા નથી.

ગાંધીજીએ પોતાનું જીવન ખુલ્લી ચોપડીની જેમ દુનિયા સમક્ષ મૂકી દીધું છે. મૂળ ગુજરાતીમાં લખાયેલી અને વિશ્વભરની ભાષાઓમાં અનુવાદિત થયેલી ગાંધીજીની આત્મકથા ‘સત્યનાં પ્રયોગો’માં ગાંધીજી વારંવાર પોતાની ખામીઓને આપણી ઉજાગર કરતાં રહે છે. પોતાની નિર્બળતાઓ- ખામીઓ- અને ભૂલો બાબતે ગાંધીજીએ ખૂબ જ કઠોર રીતે તેમની જાતનું આત્મપરિક્ષણ કર્યું છે. અને જ્યાં પોતે પોતાને ખોટાં લાગ્યાં હોય ત્યાં ખુદને ઠપકો આપવાનું કે જાહેરમાં ભૂલ સ્વીકારવાનું મુનાસીબ માન્યું છે.(ખબર છે ને, અસહકારની લડતને હિમાલય જેવડી મોટી ભૂલ ગણાવી હતી!) પોતે સ્ત્રી સ્વતંત્રતાનાં એટલાં મોટાં હિમાયતી હોવાં છતાય તેમના લગ્ન જીવનની શરૂઆતમાં તેમને કસ્તુરબા ઉપર કેવી જોહુકમી અને ભાયડાપણું સ્થાપવાની કોશિશ કરી હતી એ વાત કરે છે. વેશ્યાવાડામાં જતાં- જતાં એ કેવી રીતે બચે છે એનું પણ વર્ણન કરે છે. ગાંધીજી વિશે બેફામ બોલતાં અક્કલનાં ઓથમીરોને આ બધું કોણ સમજાવે? ગાંધીજીએ દુનિયા સમક્ષ જેટલી પણ નિખાલસ કબૂલાત કરી છે, એટલી નિખાલસ કબૂલાત- અરે એટલી તો શું, એની પા ભાગની ય કબૂલાત આપણે આપણા મા-બાપ, પતિ-પત્ની કે છોકરાઓ સાથે ય કરી શકતાં નથી!

'સત્યનાં પ્રયોગો'
‘સત્યનાં પ્રયોગો’

હિંદ સ્વરાજમાં ગાંધીજી કહે છે કે, ‘અભયતા છે ત્યાં સત્યતા સહેજે વસે છે. માણસ જ્યારે સત્ય છોડે છે ત્યારે તે કોઈ પણ પ્રકારના ભયને લીધે જ છોડે છે.’

ગાંધીજી અહિંસાનાં પ્રખર હિમાયતી. શારીરિક તો ઠીક, માનસિક હિંસા પણ નહીં. આદર્શો ખરાં પણ આદર્શમાં એટલાં જડ ય નહીં. અમુક વાર હિંસાનું ય સમર્થન કરેલું. યાદ આવે છે ગાંધીજીનો કિશોરલાલ મશરૂવાળા સાથેનો છોકરીઓની છેડતીના પ્રસંગ અંગેનો વાર્તાલાપ? (ચોરી ચૌરાની હિંસાની ઘટનાં પછી અસહકારનું આંદોલન પાછું ખેંચી લેનારા ગાંધીજી જ 8, ઓગષ્ટ 1942નાં દિવસે મુંબઈના ઓગષ્ટ ક્રાંતિ મેદાનમાં ‘કરો યા મરો’નું સૂત્ર આપે છે, અને એના પછી અમુક હત્યાઓ થઈ પરંતુ એ બાબતે ગાંધીજી મૌન ય સેવે છે!) અને અમુક વખત પોતાનાં આદર્શો ય છોડેલાં.

ગાંધીજીએ બધા હિંદીઓને લશ્કરમાં જોડાવાનું કહેલું! અને લશ્કરમાં અહિંસા તો કેમ ચાલે? લશ્કરી સૈનિકો અહિંસા રાખી શકે? પણ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીએ કહેલી એ વાતને નોંધે છે કે, ‘દરેક હિંદીને હું લશ્કરમાં જોડાવાનું કહું છું ત્યારે સાથે સાથે સતત એને કહેતો રહું છું કે એ લશ્કરમાં જોડાય છે તે લોહીની તરસ છિપાવવા માટે નહીં પણ મરણનો ભય ન રાખવાનું શીખવા માટે છે!’

સાબરમતી આશ્રમ
સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ સ્થાપ્યા પછી ત્યાં ચોરોનો ત્રાસ વધી ગયો. કાકાસાહેબ કાલેલકર કહે છે કે ઘણી ચર્ચા થયા પછી ગાંધીજીએ કહ્યું, ‘મગનલાલ ઇચ્છતા હોય તો સરકાર પાસે લાઇસન્સ લઈને બંદૂક ખરીદી આપું. લોકો ટીકા કરે કે આ અહિંસક લોકો બંદૂક કેમ રાખે છે? તો તેમને જવાબ આપવાવાળો હું અહીં બેઠો છું.’ વિચારો! ગાંધીજી બંદૂક ખરીદીને આપવાની વાત કરે છે!

અને આગળ કાલેલકર ‘બાપુની ઝાંખી’માં નોંધે છે કે, ‘આપણે બધાં સ્ત્રી-પુરુષ-બાળકો અહીં ભયભીત દશામાં રહીએ તે કરતાં બહેતર છે કે બંદૂકથી આપણો બચાવ કરીએ. ભયગ્રસ્ત માણસ અહિંસક થઈ જ ન શકે.’

મહાત્મા ગાંધી અને કાકાસાહેબ કાલેલકર

એક વખત આશ્રમમાં એક વાછડો બીમાર પડ્યો અને દવા પછી પણ તેની પીડા વધી ત્યારે ગાંધીજીએ તેને મૃત્યુદાન આપવાનું નક્કી કર્યું. સરદારે કહ્યું કે વિવાદ થશે. હમણાં ફાળો ઉઘરાવવા મુંબઈ જવાનું છે. ત્યાં કોઈ ફાળો નહીં આપે અને ઘણું બધું કામ અટકી જશે. પણ ગાંધીજી અડગ રહ્યા. એક પારસી ડોક્ટરે વાછરડાને ઇન્જેક્શન આપ્યું. વાછરડો ઢળી ગયો- મરી ગયો. ગાંધીજી એક શબ્દ બોલ્યાં નહીં. વાછરડાના મોઢા પર એક કપડું ઢાંકીને ચાલ્યા ગયાં. તેનો ઘણો વિવાદ થયો. પણ ગાંધીજીએ તે માટે કદી અફસોસ વ્યક્ત કર્યો નહીં.

‘બિહાર પછી દિલ્હી’ બુકમાં મનુબહેન ગાંધી બે કિસ્સા નોંધે છે. તેમાંનો એક: એક વાર ઉશ્કેરાયેલા બે જણ ગાંધીજીને મળવા આવ્યા ત્યારે તેમને કહ્યું, ‘મારી અહિંસા નિર્માલ્યની નથી, શૂરાની છે. હા, પણ અહિંસક રીતે મરતાં ન આવડતું હોય તો તમે હિંસા કરી શકો છો, પણ એ બહાદુરીપૂર્વકની હોવી જોઈએ. તમે પાકિસ્તાનમાં માર ખાધો હોય તો તેનો બદલો ત્યાં લો, એમાં બહાદુરી છે. પણ અહીં લો એમાં તો કાયરતા છે!’

અને બીજા પ્રસંગે ગાંધીજી કહે છે કે, ‘કોઈના મારવાના ડરથી નમવું અને જીવવું તેના કરતાં આત્મહત્યા કરી બહાદુરીપૂર્વક મરવું એ શ્રેષ્ઠ છે, અને તેમાં હું હિંસા નથી માનતો! પોતાના મનને મારીને કે ડરીને જીવવું એમાં હિંસા છે. જોકે હકીકતે આત્મહત્યા કરવી એને હિંસામાં ગણી શકાય, પણ તાત્ત્વિક દૃષ્ટિએ નહીં. આટલા પરથી સમજી શકાશે કે હું કઈ જાતની અહિંસાનો પૂજારી છું!’

તણખો:


‘આજે વિજ્ઞાનયુગમાં માર્કસ નહીં ચાલે, તેમ પુરાણા કાળનો મનુ પણ આજે નકામો નીવડશે અને ગેરસમજ ન કરો તો હું નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું કે ગાંધી પણ આજે એવો ને એવો નહીં ચાલે!’


-વિનોબા ભાવે

ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment