કોઈ સર્વશક્તિમાન ઈશ્વરના અસ્તિત્વમાં હું માનતો નથી: ભગતસિંહ

ભગતસિંહ નાસ્તિક હતાં. ભારતીય માનસિકતા મુજબ વિચાર કરતાં એક વાર લાગે કે દેશ માટે જાન કુરબાન કરી દેનાર માણસ નાસ્તિક હોય શકે? કારણ કે ભારતીય માનસિકતા મુજબ સામાજિક માળખામાં ટકી રહેવા માટે તમારું આસ્તિક હોવું ઘણે-ખરે અંશે જરૂરી છે, બાકી આજુબાજુનાં લોકો તમને અભિમાની, અહંકારી, આપખુદ કે તમારું વલણ ઠીક નથી એવું કહીને સાઇડલાઈન કરી દે તો નવાઈ નહિ!

જેલવાસ દરમિયાન ભગતસિંહના એક સહ-કેદીએ ભગવાનના પૂજા પાઠ કરવા સલાહ આપી ત્યારે ભગતસિંહે ઇનકાર કર્યો. અને ભગતસિંહને ટોણો માર્યો કે કે તેમનો અંત નજીક આવશે ત્યારે તેમણે આપોઆપ ભગવાનનું નામ લેવું પડશે! આ ઘટનાં પછી ભગતસિંહે નાસ્તિકતા વિશેના પોતાનાં વિચારો વિગતવાર કહેવાનો નિર્ણય કર્યો.

‘હું શા માટે નાસ્તિક છું?’ એવાં શીર્ષક હેઠળ ભગતસિંહે એક લખાણ તૈયાર કર્યું અને તે ચોરીછૂપીથી તેમનાં પોતાને પહોંચાડ્યું. તેમના પિતાએ એ લખાણ ધ પીપલ સાપ્તાહિકમાં જૂન,1931નાં અંકમાં પ્રકાશિત કર્યું. (શબ્દોની મર્યાદાના લીધે પૂરું લખાણ મૂકી શકાય તેમ ન હોવાથી અમુક મહત્ત્વની વાતો જ અહી લખી છે.)

ભગતસિંહ કહે છે કે ખરેખર તો હું ઘણો શરમાળ હતો અને ભાવિ કારકિર્દી બાબતે નિરાશાવાદી વિચારો ધરાવતો હતો. અને હાં, એ દિવસોમાં હું નાસ્તિક નહોતો!

ભગતસિંહ શરૂઆતમાં નાસ્તિક નહોતાં. ભગતસિંહ લાહોર ડી એ વી સ્કૂલમાં જોડાયાં પછી સવાર સાંજ પ્રાર્થના કરતાં, અને કલાકોના કલાકો સુધી ‘ગાયત્રી મંત્રો’ બોલતાં!

સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે તો પછી ભગતસિંહના વિચારો બદલાયા ક્યારે? એક સંપૂર્ણ શ્રદ્ધાળુ વ્યક્તિ નાસ્તિક કઈ રીતે બની ગઈ?

આનો ખુલાસો આપતાં ભગતસિંહ કહે છે કે ક્રાંતિકારી પક્ષની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર આવી પડી. મને સતત એક જ બાબતના વિચારો આવવા લાગ્યાં કે મારે અભ્યાસ કરવો જોઈએ. વિરોધીઓની દલીલોના જવાબ આપી શકું તે માટે અભ્યાસ જરૂરી છે. અને મેં અભ્યાસ શરૂ કરી દીધો.

વિશ્વભરના વિચારકો અને ક્રાંતિકારીઓને વાંચીને ભગતસિંહના વિચારો બદલાયા. ભગતસિંહ લખે છે કે બ્રહ્માંડની રચના કરનાર, માર્ગદર્શન આપનાર અને તેને નિયંત્રિત કરનાર કોઈ સર્વોચ્ચ શક્તિનું અસ્તિત્વ હોવાની થિયરી મને 1926નાં અંત સુધીમાં તો નિરર્થક લાગવા માંડી!

શ્રદ્ધા અને ઈશ્વરનું મહત્વ સમજાવતા ભગતસિંહ લખે છે કે શ્રદ્ધા માણસની પીડા ઓછી કરી શકે છે એટલું જ નહિ પરંતુ ક્યારેક એ પીડાઓને આનંદદાયક બનાવી શકે છે. વ્યક્તિ માટે ઈશ્વર એ સૌથી મજબૂત આધાર અને આશ્વાસન હોય છે, ઈશ્વર વિના વ્યક્તિએ માત્ર પોતાનાં પર આધાર રાખવો પડતો હોય છે અને જીવનના ઝંઝાવાતો અને સંઘર્ષમાં આવા કોઈ આધાર વિના એકલાં ઊભા રહેવું એ કોઈ રમત વાત નથી. અત્યંત કપરા સમયમાં વ્યક્તિનો દંભ ઓગળી જાય છે અને માણસ પોતાની માન્યતાઓનો ખુલાસો કરવા અસમર્થ બની જાય છે. આમ છતાં જો ઈશ્વરમાં નહીં માનીને કોઈ ખુલાસો કરે તો સમજવું કે તેનામાં દંભને બદલે બીજી કોઈ વિશિષ્ટ ક્ષમતા છે!

આગળ ભગતસિંહ લખે છે કે મારા મતે જે કોઈ વ્યક્તિ તર્ક કરી શકતી હોય તે હંમેશા પોતાના સંજોગો માટેનાં તાર્કિક કારણો શોધી કાઢવાનો પ્રયાસ કરે છે. જ્યાં સુધી પુરાવાનો અભાવ હોય ત્યાં આધ્યાત્મિકતા મહત્વનું સ્થાન હાંસલ કરે છે.

એક ક્રાંતિકારી મિત્રએ ભગતસિંહને એક વાર કીધેલું કે આધ્યાત્મિકતા એ માનવજાતની નબળાઈનું પરિણામ છે. આ વાત ભગતસિંહ સજ્જડ રીતે માનતા હતા!

હિન્દુઓ તમે…તમારું કહેવું છે કે હાલની તમામ પીડાઓ પૂર્વ જન્મના કર્મોને કારણે છે! બરાબર, તો પછી તમારો કહેવાનો આશય એ છે કે હાલ કે પણ દમનકરો છે એ લોકો તેમનાં પૂર્વજન્મમાં સંતો હતાં અને તે કારણે આ જન્મમાં સત્તા ભોગવે છે! હું તમને જાણ કરવા માંગુ છું કે તમારા પૂર્વજો ચાલાક હતાં, તેમણે એવી મજબૂત થીયરીઓ ઊભી કરી દીધી છે જેથી તર્ક કરવાના કે શ્રદ્ધા નહિ રાખવાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય!

ભગતસિંહનાં મૃત્યુનું પ્રમાણપત્ર

પૂર્વજન્મની વાત કરતાં ભગતસિંહ કહે છે કે માણસોને આપણે ધારવા ખાતર ગુનેગારો માની લઈએ છતાં ઈશ્વર તેમને કેવાં પ્રકારની સજા કરે છે? તમે કહો છો કે ભગવાન ગુનેગારોને ગાય, બિલાડી, વૃક્ષ, છોડ કે જાનવરનો જન્મ આપે છે. આવી સજા 84 લાખ હોવાનું તમે માનો છો. તો મારો સવાલ છે કે માણસ ઉપર તેની કોઈ સુધારાત્મક અસર થાય છે? તમને મળેલાં કેટલાં માણસોએ એવું કહ્યું કે પોતે કરેલા પાપને કારણે પૂર્વજન્મમાં તેઓ ગધેડાં હતાં? એક પણ નહિ! મહેરબાની કરીને તમારા પુરાણોના અવતરણો ટાંકસો નહિ કેમકે તે વાંચવાની મારી કોઈ તૈયારી નથી!

ભગતસિંહ અમુક સવાલો કરે છે. અને સવાલો કેવાં? કે સવાલો પર વિચાર કરતાં-કરતાં મગજ સુન્ન થઈ જાય. ભગતસિંહ પૂછે છે કે કોઈ વ્યક્તિ કોઈ પાપ કે અપરાધ કરતો હોય ત્યારે તમારા સર્વશક્તિમાન ભગવાન તેને કેમ રોકતાં નથી? એ તો આવું સાવ સરળતાથી કરી શકે એમ છે. ભગવાન શા માટે યુદ્ધખોરોને અથવા તેમનામાં રહેલી યુદ્ધની માનસિકતાને ખતમ નથી કરી નાખતો જેથી માનવજાતિ પરથી વિશ્વયુદ્ધનો ખતરો જ ટળી જાય? ભારતને સ્વતંત્ર કરવા માટે તે બ્રિટિશ પ્રજામાં ચોક્કસ પ્રકારની લાગણી પેદા નથી કરતો જેને કારણે એ લોકો તેમની તમામ અંગત મિલકતો પરનો અધિકાર છોડી દે જેથી આખો શ્રમિક વર્ગ અથવા કહો કે આખો માનવસમાજ મૂડીવાદના સકંજામાંથી મુક્ત થઈ શકે. મને કહેવા દો કે બ્રિટિશરો ભગવાનની ઈચ્છાથી નહિ પરંતુ તેમની પાસે તાકાત છે તેથી અહીં શાસન કરે છે અને તેમનો વિરોધ કરવાની આપણામાં હિંમત નથી. તેઓ કંઇ ભગવાનની મદદથી આપણને તેમનાં શાસન હેઠળ કચડાયેલા નથી રાખતાં પરંતુ તેમની પાસે બંદૂકો અને રાયફલો છે, બોમ્બ અને બુલેટ છે, પોલીસ અને લશ્કર છે અને એ બધાની સામે આપણે મજબૂર છીએ જેને કારણે એ લોકો સમાજ વિરુદ્ધ, એક આખા દેશ વિરુદ્ધ સફળતાપૂર્વક શોષણ અને અત્યાચાર કરી રહ્યા છે. ક્યાં છે ઈશ્વર? માનવજાત પર થઈ રહેલાં આ તમામ અત્યાચારને એ શું માણી રહ્યા છે? શું એ નીરો છે કે ચંગીઝખાં? ધિક્કાર છે એને.

દુનિયાનાં ઉદ્દભવ અંગેની વાત કરતાં ભગતસિંહ કહે છે કે આ દુનિયા અને માનવીના ઉદ્દભવ વિશે મારી પાસે શો જવાબ છે એ તમે જાણવાં માંગો છો ને? ચાર્લ્સ ડાર્વિને આ વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે, તેનો અભ્યાસ કરો. સોહમ સ્વામનું પુસ્તક કોમન સેન્સ વાંચો. તેમાં તમારા સવાલનો અચૂક અંશે જવાબ મળી રહેશે.

તમે કદાચ બીજી દલીલ એવી પણ કરશો કે જો પૂર્વ જન્મમાં કોઈ પાપ ના કર્યા હોય તો પછી અંધ કે અપંગ બાળક શા માટે જન્મે છે? જીવ વિજ્ઞાનીઓ આ બાબતનો ખુલાસો કરે છે કે એ સમસ્યા માટે જૈવિક પ્રક્રિયા જવાબદાર છે. જીવ વિજ્ઞાનીઓના મતે આ સમસ્યાની પૂરેપૂરી જવાબદારી માતા પિતા ઉપર છે જેમણે તેમનાં બાળકનાં જન્મ પહેલાં જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય છે!

સ્વાભાવિક રીતે જ તમે બીજો સવાલ કરશો જે ખરેખર તો સાવ બાલિશ છે કે જો ઈશ્વરનું અસ્તિત્વ નથી તો લોકો તેમનામાં શ્રદ્ધા કેવી રીતે રાખે છે? મારો જવાબ સ્પષ્ટ અને ટુંકો છે. જે રીતે લોકો ભૂત અને અનિષ્ટ આત્મામાં માને છે તેવી જ રીતે ભગવાનમાં માને છે, પરંતુ તેમાં તફાવત માત્ર એટલો છે કે ભગવાનમાં જે આસ્થા છે તે વૈશ્વિક છે અને તે માટેની ફિલોસોફી વિકસાવવામાં આવેલી છે!

ઈશ્વરના અસ્તિત્વ અંગે મારી પોતાની ધારણા એવી છે કે માણસની નબળાઈઓ, તેની મર્યાદાઓને પારખી જઇને ભગવાનનું કાલ્પનિક સ્વરૂપ ઉભુ કરવામાં આવ્યું જેથી માણસને તેના કપરા દિવસોમાં સંઘર્ષ કરવાનું બળ મળી રહે, તમામ જોખમો સામે ટકી રહેવા ઉતેજન મળી રહે એટલું જ નહિ પરંતુ સમૃદ્ધિ આવે અને વગ ઊભી થાય ત્યારે છકી ન જાય.

સમાજે આ માન્યતાને તેમ જ મૂર્તિ પૂજાને દૂર કરી દેવી પડશે અને ધર્મ વિશેની ટુંકી દૃષ્ટિનો ત્યાગ કરવો પડશે. તે સાથે જ માણસ પગભર થવાનો પ્રયાસ કરતો હોય ત્યારે તેણે શ્રદ્ધાને બાજુ પર ધકેલી દેવી પડશે અને પોતે જે સંજોગોમાં આવી પડ્યો હોય તેનો માનવીય બળથી જ મુકાબલો કરવો પડશે. હાલ હું એ જ કરું છું. આ કોઈ દંભ નથી મિત્રો. મારી વિચારધારાએ મને નાસ્તિક બનાવ્યો છે. મારા કિસ્સામાં હું નથી જાણતો કે ભગવાનમાં માનવાથી કે દરરોજ પ્રાર્થના કરવાથી મારો કેસ સુધરશે કે પછી વધારે બગડશે, પરંતુ મને લાગે છે કે આવી કોઈ શ્રદ્ધા રાખવી કે પ્રાર્થના કરવી એ માણસજાતનું સૌથી સ્વાર્થી અને અધમ પગલું છે. પોતાની તમામ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરતા હોય એવા નાસ્તિકો વિશે મેં વાંચ્યું છે અને તેથી હું પણ છેવટ સુધી, અરે ફાંસીના માંચડા સુધી ઊંચું મસ્તક રાખીને જીવવા માંગુ છું!

તણખો:


હું જોવા માંગતો હતો કે માત્ર શાંતિ અને આનંદના દિવસોમાં જ હું નિરીશ્વરવાદી (નાસ્તિક) રહી શકું છું કે પછી આવી ગંભીર મુશ્કેલીઓનો સમયે પણ મારા સિદ્ધાંતોને વળગી રહી શકું છું? ખૂબ વિચાર કર્યા પછી મેં નક્કી કર્યું કે હું ઈશ્વરમાં શ્રદ્ધા નહિ રાખું અને પ્રાર્થના પણ નહિ કરું. મક્કમ નિર્ધાર પ્રમાણે મેં કદી પ્રાર્થના ના કરી અને એ પરીક્ષામાંથી હું સફળતાપૂર્વક પાર ઉતર્યો!
-ભગતસિંહ


-ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment