- પતિએ પત્નીનાં જન્મદિવસ નિમિત્તે 400 થી વધુ વૃક્ષો વિતરણ કર્યા, રાજકોટથી મોકલ્યા સુરેન્દ્રનગર
- સુરેન્દ્રનગરના રાજચરાડી ગામના યુવાનોને બગીચો બનાવવા વૃક્ષો અર્પણ કર્યા
- પત્નીના જન્મદિવસને યાદગાર બનાવવા પ્રકૃત્તિ પ્રેમી પતિનો અનોખો પ્રયાસ
ગુજરાત: ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના પ્રકૃત્તિ પ્રેમી યુવાનો દ્રારા ગામની તળાવની પાળ પર આવેલ લલુપીર દાદાની દરગાહ નજીક સુંદર બગીચો બનાવવાની પહેલ કરી છે. ત્યારે રાજકોટના રહેવાસી હિંમતભાઈ સવજીભાઈએ તેમના પત્નીના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે રાજચરાડી ગામના યુવાનોને 400થી વધુ વૃક્ષો આપી પ્રકૃત્તિ પ્રેમીની નૈતિક જવાબદારી અદા કરી છે.
ધ્રાંગધ્રાના રાજચરાડી ગામના હિતેશભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા (ઉર્ફે હપો) તથા અન્ય પ્રકૃત્તિ પ્રેમી યુવાનો દ્રારા ગામની તળાવની પાળ પર આવેલ લલુપીર દાદાની દરગાહ નજીક સુંદર બગીચો બનાવવાની પહેલ કરી છે. આમ જે જગ્યાએ પહેલા ખૂબ જ ગંદકી ભર્યું વાતાવરણ રહેતું હતું ત્યાં ગામના યુવાનો સુંદર બગીચો બનાવવા જઈ રહ્યાં છે. ત્યારે હિતેશભાઈએ મુળ રાજચરાડીના પરંતું અત્યારે રાજકોટ ખાતે રહેતા હિંમતભાઈ સવજીભાઈ પટેલનો સંપર્ક કરી વૃક્ષોની જરૂરીયાત હોવાનું જણાવેલું. હિંમતભાઈએ તેમના પત્ની જોત્સનાનાં જન્મદિવસને યાદગાર બનાવવા માટે રાજકોટ ખાતેનાં વન સંશોધન અને નિદર્શન કેંદ્રમાંથી 400થી વધુ વૃક્ષો મેળવી રાજચરાડી ગામના યુવાનોને આપ્યાં હતાં. જેમાં ઉમરો, વડ, પીપળો, લીંબડો, બોરસલી, સેતુર, મોરપંખી, પાન કુટ્ટી, લીલગીરી, સતુરી, અરીઠા, આંબળા, કરંજ, રાયણ, સપ્ત પ્રાણી, સીસમ, બારમાસી, અર્જૂન સાજન, એપોમા, ગુલમહોર વગેરે વૃક્ષો આપવામાં આવ્યાં હતાં. પ્રકૃત્તિ પ્રેમી હિંમતભાઈએ ગામમાં અનેક વખત વૃક્ષો વિતરણ કર્યાં છે.
હિંમતભાઈના પરિવારના સદસ્યના જન્મદિવસ નિમિત્તે તેમના દ્રારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે. તેમનું એવુ માનવું છે કે, ‘દરેક વ્યક્તિએ પોતાના સુખ:દ પ્રસંગમાં વૃક્ષો રોપવા જોઈએ. ઉપરાંત જન્મદિવસ દરમિયાન હોટલોમાં જઈને જે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે, તેને ટાળીને દરેક વ્યક્તિએ વૃક્ષો રોપી પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. ‘