- ત્રણ મહિનામાં 50 જેટલાં બાઈકનાં ચેઇન-ચક્કર ફેલ
- પુલનું સમારકામ ન થયું હોવાથી ગ્રામજનોએ નદીમાંથી પસાર થવું પડે છે
ગુજરાત: ધ્રાંગધ્રા તાલુકાનાં રાજચરાડી ગામની ચન્દ્રભાગા નદી પર આવેલ પુલ ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. જેના કારણે ગ્રામજનો અને ખેતરમાં રહેતા ખેતમજૂરોને ખુબજ હાલાકી ભોગવવી પડી હતી. જેની રાજચરાડી ગામનાં સરપંચ શ્રીએ 24 ઓગસ્ટનાં રોજ ધ્રાંગધ્રા મામલતદાર કચેરીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ મામલતદાર શ્રીને રજૂઆત કર્યાનાં ત્રણ મહિના થયા હોવા છતાં કોઈપણ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
આ દરમિયાન ગ્રામજનોને પોતાના ખેતરે જવા માટે નદીની વચ્ચે થઈને પસાર થવું પડે છે. તેમાં પાણીમાંથી બાઇક લઈને પસાર થતા ઘણા-બધા લોકોનાં બાઇકનાં “ચેઈન-ચક્કર” ખરાબ થયા હોવાની ઘટના સામે આવી છે.
ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પુલનું ધોવાણ થયું હતું. પુલનાં ધોવાણનાં કારણે ગ્રામજનો પોતાના ખેતરે જઈ શકતા નહોતા. પણ ચોમાસાની ઋતુ પુરી થતા નદીમાં પાણીનો પ્રવાહ ઘણો ઓછો થયો છે. જેથી લોકો હવે નદી વચ્ચે થઈને પોતાના ખેતરે જઈ શકે છે. પરંતુ નદીમાં પાણી ઢીંચણ સુધી ભરેલું હોવાથી ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. તેમાં પણ ખાસ કરીને બાઇક લઈને પસાર થતા લોકોને વધુ મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
ચોમાસાની ઋતુ પુરી થઈ છે પણ હાલ નદીમાં થોડા પ્રમાણમાં પાણીનો પ્રવાહ ચાલુ છે. આમ નદીમાં ભરાયેલા પાણીમાંથી પસાર થતા ઘણા-બધા લોકોના બાઇકના ચેન-ચક્કર ખરાબ થયાની ઘટના જાણવા મળી છે. આ ગ્રામજનોને અવાર-નવાર પોતાના બાઇકથી પાણીનાં પ્રવાહમાંથી નીકળવાનું થતું હોવાથી બાઈકના ચેન-ચક્કરમાં પાણી લાગતા ખરાબ થઈ રહ્યા છે. આમ ત્રણ મહિના દરમિયાન આસરે 50 જેટલા બાઇકોનાં ચેન-ચક્કર ખરાબ થયા છે.
બાઇકનાં નવા ચેન-ચક્કર નાખવા માટે રૂ.500-600 જેટલો ખર્ચ થતો હોય છે. ધ્રાંગધ્રા મામલતદાર કચેરીએ ત્રણ મહિના અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં નદી પરનાં પુલનાં સમારકામ માટે કોઈપણ યોગ્ય પગલાં આજદિન સુધી લેવામાં આવ્યા નથી. આમ ગ્રામજનોનાં બાઇકો ખરાબ પડી રહ્યા હોવાથી તેઓને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.