ગુજરાત: રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત ફરી એકવાર ડેથસ્પોટ બની રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આથી રાજકોટ તંત્ર સતર્ક થયું છે. રાજકોટમાં કોરોનાના વધતા કેસોને કારણે માર્કેટ યાર્ડના સત્તાધિશોએ અઠવાડિયાના શુક્ર, શનિ અને રવિવારે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ પણ સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી છે. ચેમ્બરના આ નિર્ણયમાં સાથે 28 થી 30 એસોસિએશન જોડાશે. શનિવાર રવિવાર બે દિવસ બંધ રાખવામાં આવશે. તમામ વેપાર ઉદ્યોગ બે દિવસ બંધ રખાશે. તો બીજી તરફ, રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં વધી રહેલા કેસોને પગલે રાજકોટ જીલ્લાના જામ કંડોરણા વેપારી એસોસિયેશન દ્વારા આજથી સાંજના ૮ થી સવારના ૬ સુધી સ્વેચ્છિક લોક ડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટોરો ખુલ્લા રહેશે. સોમવારે ભરાતી સોમવારની માર્કેટમાં શાકભાજી શિવાય અન્ય ધંધાઓ બંધ રહેશે.