ગુજરાત: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની હરીનગર ગામની શાળાનાં શિક્ષક શ્રી નિલમભાઇ ચમનભાઇ પટેલે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
કોરોના મહામારી સમયમાં નાના ભૂલકાંઓને શાળામાં આવવાનું ન હોઇ બાળકોના ઘરે જઈને શેરી શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે. આ કાર્ય દરમિયાન તેમને પોતાના રોજબરોજના પહેરાતા ઝભ્ભા,શર્ટ પર બાળકોને અઘરા પડતા મૂળાક્ષરો જેવા કે સ,ક્ષ,ષ,ઉ,અ, જોડીયા શબ્દો, સરવાળા,બાદબાકી,ગુણાકારની પ્રક્રિયા, હિન્દીના શબ્દો અંગ્રેજી સ્પેલીંગોનું પેઇન્ટીંગ કર્યું છે, જેથી બાળકો આ સાહેબના પહેરેલા કપડાં પર જોઈને શિક્ષણ કાર્ય કરે છે.
નિલમભાઇ ભૂલકાંઓને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો ખૂબજ સરાહનીય પ્રયત્ન કરી રહ્યાં છે.
તેઓ સાથે સાથે પ્રાણીઓના માસ્ક ભૂલકાંઓની સાથે પોતે પહેરી બાળક સાથે બાળક બની ગામની શેરીઓમાં વૃક્ષો પર ટી. એલ. એમ. લગાવી બાળકોને સુંદર શિક્ષણ કાર્ય કરાવી રહયા છે.
જો કોઇ બાળકના વાળ વધી ગયા હોય અને વાલીને બાળકના વાળ કપાવવા જવાનો સમય ન હોયતો નિલમભાઇ બાળકોને સુંદર મજાનું હેર કટીંગ પણ કરી દે છે.
આમ આ શિક્ષકનાં શિક્ષણકાર્ય માટેનો પ્રેમ અને બાળકના ઘડતર માટેની નિષ્ઠાનો ઉત્તમ નમૂનો છે.