નેશનલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લોકો અને દેશના સપના અલગ નથી અને દેશની પ્રગતિમાં જ આપણી પ્રગતિ રહેલી છે. આ લાગણી અને સમજણ નૂતન ભારતમાં લોકોની સૌથી મોટી તાકાત બની રહી છે.
આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત તરફ કાર્યક્રમના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશને દરેકના સહયોગ અને પ્રયાસોની જરૂર છે. એવી વ્યવસ્થા વિકસાવવાની જરૂર છે જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન ન હોય અને જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર હોય.
તેમણે કહ્યું, દેશ એક નવા ભારતનો સાક્ષી છે જ્યાં નિર્ણયો નવા અને પ્રગતિશીલ છે. તેમણે કહ્યું કે, ભારત પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેના મૂળ સ્વભાવને જાળવી રાખે છે અને આ દેશની તાકાત છે.
મહિલા શક્તિ અને મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરતાં શ્રી મોદીએ કહ્યું કે, દેશ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેમના બલિદાનને યાદ કરી રહ્યો છે. રાણી લક્ષ્મીબાઈ, કિત્તુર ચેન્નમ્મા, અહિલ્યાબાઈ હોલકર, સાવિત્રીભાઈ ફુલેએ ભારતની ઓળખ જાળવી રાખી. મહિલાઓની ભાગીદારી વધી રહી છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવોની સફળતા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ યોજનાથી જાતીય ગુણોત્તરમાં સુધારો થયો છે.
દેશની સંસ્કૃતિ, સભ્યતા, મૂલ્યો, આધ્યાત્મિકતા અને વિવિધતાને જાળવવા પર ભાર મુકતાં શ્રી મોદીએ કહ્યું કે, ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્યને એકસાથે સતત આધુનિક બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આવનારાં 25 વર્ષ સખત પરિશ્રમ, બલિદાન અને સંયમના શિખર હશે. આપણા સમાજે સેંકડો વર્ષની ગુલામીમાં જે ગુમાવ્યું છે તે આગામી 25 વર્ષમાં પાછું મેળવવાનો સમય છે. રાષ્ટ્ર નિર્માણમાં ફરજોના મહત્વ વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે, જો લોકો કર્તવ્યના માર્ગે દેશને આગળ લઈ જશે તો દેશ નવી ઉંચાઈ સર કરશે અને સમાજમાં પ્રવર્તતી બુરાઈઓ દૂર થશે.