- ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીનનું બારોબાર વેંચાણ થયેલું,
- 20 વર્ષ થયાં છતાં ન્યાયનો છાંટો પણ નહીં!
- જો ન્યાય નહીં મળે તો સીધા દિલ્હી જશે
- સાયકલથી ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરેલી
ગુજરાત: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 66 વર્ષીય ખેડૂતની જમીન 20 વર્ષ પહેલાં અમુક શખ્સો મળીને નકલી(ડુપ્લિકેટ) સહી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેંચી દીધી હતી. જે બાબતે ખેડૂત દ્વારા અનેક વખત પોલીસમાં ધક્કા કર્યા બાદ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ એક મહિનામાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં. જેથી ખેડૂતે ન્યાય મેળવવા માટે અગાઉ સાયકલ મારફતે ગાંધીનગર જઈને મુખ્યમંત્રીને રૂબરૂ આ બાબતે રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી આરોપી વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી થતી ન હોવાથી ન્યાય માટે ફરીથી સાયકલ મારફતે ગાંધીનગર જવા નીકળ્યાં હતાં અને જો ન્યાય નહીં મળે તો ત્યાંથી દિલ્હી જશે.
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે રહેતા અરસીભાઈ હમીરભાઈ રામની વેરાવળ તાલુકાના કુકરાશ ગામે પોતાના માલિકીની 16 વિઘા જમીન આવેલી હતી. 20 વર્ષ પહેલાં અરસીભાઈની વેરાવળના કુકરાશ ખાતેની જમીન પૂર્વ તલાટી મંત્રી સહિતના પર નકલી(ડૂબલિકેટ) સહી કરીને જમીન અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેચાણ કરી નાખવાનો આરોપ છે. અરસીભાઈની જમીન નજીકમાં જ અંબુજા સિમેન્ટની કંપની આવેલી છે. અરસીભાઈના કબજાના માલિકીની જમીન નકલી સહીના કરાર દ્વારા અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેચી નાખવા બાબતે અરસીભાઈએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનાર પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે કુકરાશના રહેવાસી ડાયાભાઇ ઉર્ફે કાળાભાઈ હમીરભાઈ રામ, મંગા જેઠા, રામસી જેઠા, નારણ હીરા તથા તે સમયે ફરજ બજાવતા તલાટીમંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ એક મહિનાની અંદરમાં જ આરોપીને આગોતરા જામીન મળી ગયેલાં.
અરસીભાઈએ ન્યાયની માંગણી મળે તે માટે પહેલા પણ પોતાના વતનથી સાયકલ મારફતે ગાંધીનગર જઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળ્યાં બાદ ઘટના વિશે જાણ કરી હતી. ત્યારે મુખ્યમંત્રી દ્વારા આ બાબતે ચોક્કસ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ અરસીભાઈને આજદિન સુધી કોઈપણ પ્રકારે હકારાત્મક જવાબ મળ્યો નથી. જેથી અરસીભાઈ પોતાના વતનથી ગત શુક્રવારે સાયકલ મારફતે ફરીથી ન્યાયની માંગણી સાથે ગાંધીનગર જવા નીકળ્યાં હતાં. ત્યારે પોતાની જમીન માલિકીના હક અને અધિકાર મેળવવા છેલ્લા 20 વર્ષથી ન્યાય માટે વલખાં મારતાં અરસીભાઈ ફરી વખત સાયકલ મારફતે કૌશિકભાઇ પટેલ અને પ્રદીપસિંહ જાડેજાને મળવા માટે ગાંધીનગર જવા નીકળ્યાં હતાં. બીજું, જો અરસીભાઈને હકારાત્મક જવાબ નહીં મળે તો ન્યાય મેળવવા માટે ત્યાંથી જ સાયકલ મારફતે દિલ્હી જશે.
ખેડૂત એક્તા મંચ પ્રમુખ સુરેન્દ્રનગર, રાજુભાઈ કરપડાના જણાવ્યાં મુજબ, ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજીકરણ કરીને જમીન પચાવી જવા બાબતે અરસીભાઈએ મામલતદારમાં અરજી કરી હતી. જેમાં તેમને જીત મળેલી, પરંતુ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અંબુજા સિમેન્ટ કંપનીની તરફેણમાં જવાબ આવ્યો હતો. નકલી સહિ મારફતે જમીન પચાવી જવા બાબતે અરસીભાઈએ કોર્ટમાં કેસ પણ કર્યો હતો. પરંતુ તેમને ક્યાંય હકારાત્મક જવાબ આજ સુધી મળ્યો નથી. અરસીભાઈને ચાર ભાઈઓ છે જેમાંથી એક ભાઈનું આ બાબતે ખૂન પણ થયેલું. આમ રાજકીય વગ ધરાવતા લોકો આ કેસ સાથે જોડાયેલા હોવાથી ન્યાયિક નિર્ણય લેવાતો નથી. હવે આવડી મોટી ખ્યાતનામ કંપની સામે બિચારો ખેડૂત કઈ રીતે લડત આપી શકે!!