- એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે મદદ
- સેવાભાવી દાતાના સહયોગથી કોરોના વૉરિયર્સ , તબીબો માટે સંજીવ કપૂરે કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા
કોરોના મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા આગળ આવી રહી છે. નિ:સ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વૉરિયર્સને યથાશક્તિ મદદરૂપ બની રહી છે, ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ સંજીવ કપૂર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. તેમણે અન્ય સેવાભાવી દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે.
સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં આ સેવારૂપી સુવિધા સંજીવ કપૂર પૂરી પાડશે.
કપૂર દૃઢપણે માને છે કે
કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે, તો તેમનામાં નવઊર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી શકશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે ‘ બે દિવસ અગાઉ શૅફ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અને આભાર પણ વ્યક્ત કર્યો છે.’