વીર કર્મયોગી: વિવેકાનંદ

વીર કર્મયોગી: વિવેકાનંદ


આજે સ્વામી વિવેકાનંદ પરનો ત્રીજો અને છેલ્લો લેખ. થોડી વાત કરીએ વિવેકાનંદનાં વિચારોની અને થોડી વાત વિવેકાનંદનાં અંતરમનની!
‘ભારતને માટે મને પૂરેપૂરો પ્રેમ હોવા છતાં, મારામાં પૂરેપૂરો દેશપ્રેમ ભરેલો હોવા છતાં અને પ્રાચીન પૂર્વજોને માટે સંપૂર્ણ સન્માનની ભાવના હોવા છતાં, મને એ વિચાર આવ્યા વગર રહેતો નથી કે આપણે બીજી પ્રજાઓ પાસેથી હજી ઘણી બાબતો શીખવાની છે. જ્ઞાન માટે આપણે સૌને ચરણે બેસવાને તૈયાર રહેવું જોઈએ. સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આપણે પણ જગતને એક મહાન બોધપાઠ શીખવવાનો છે. ભારતની બહારનાં વિશ્વ સિવાય આપણને ચાલે એમ નથી. આપણે ચલાવી શકીશું એમ ભૂતકાળમાં ધાર્યું તે આપણી મૂર્ખાઈ હતી!’
વિવેકાનંદે વારંવાર ટકોર કરી-કરીને કીધું છે. વૈશ્વિકીકણનાં આ જમાનામાં જડ થઈ ગયેલી માનસિકતાને તોડ્યાં વગર કે નવી માનસિકતા સ્વીકાર્યા વગર આપણને ચાલે એવું નથી.
પરિવર્તન અંગે વાત કરતાં વિવેકાનંદ કહે છે કે, ‘પરિવર્તનથી ઈચ્છાશક્તિ વધુ મજબુત થતી નથી ; તે નિર્બળ બને છે અને પરિવર્તનને વશ થાય છે. પણ આપણે હંમેશા સંગ્રહણ વૃતિવાળા થવું જોઈએ. સંગ્રહણવૃતિથી ઈચ્છાશક્તિ મજબૂત થાય છે!’ એટલે બધું જ સારું-સારું આપણે આપણામાં સમાવી લેવું જોઈએ!
અને એટલે જ કેળવણીને વ્યાખ્યાયિત કરતાં વિવેકાનંદ કહે છે, ‘સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ! અને જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી!’
આખું જીવન કહેવાતાં ગુરુઓ-બાબાઓ શોધતાં રહેતાં મુઢમતીઓ, વાંચો શું કહે છે વિવેકાનંદ, ‘આપણે અંદરથી બહાર તરફ વિકસિત થવાનું છે. કોઇ તમને શીખવાડી નહીં શકે, કોઇ તમને આધ્યાત્મિક નહીં બનાવી શકે. તમારા આત્મા સિવાય કોઇ બીજો તમારો ગુરુ નથી!’ ભગવાન બુદ્ધે પણ તેમનાં પ્રિય શિષ્ય આનંદને પણ એ જ તો કહ્યું હતું ને, ‘अप्प दीपो भव:’!
યુવાનોનું તેજ પ્રજ્વલિત કરતાં વિવેકાનંદ કહે છે કે, ‘હું સાગરને પી જઈશ, એ છીપની જેમ જે સ્વાતિ નક્ષત્રનાં એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જયાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા અભ્યાસની જરૂર છે.’
ફરી આગળ કહે છે કે, ‘આપણને ગતિ આપનારું બળ વિચાર છે.મનને ઉચ્ચ વિચારોથી ભરી દો, તેના વિશે રોજ રોજ શ્રવણ કરો, મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કદી પરવા ન કરો. આ નિષ્ફળતાઓ સાવ સ્વભાવિક છે, જીવનનું તે સોંદર્ય છે. જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કોઈ કિંમત નથી!’
સફળ થવાનો માર્ગ સૂચવતા વિવેકાનંદ કહે છે: ‘એકજ વિચારને પકડો.એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો, તેને વિશે જ વિચાર કરો.તેના જ સ્વપ્ન સેવો, એ વિચાર પર જ જીવો. તમારું મગજ, સ્નાયુઓ , માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એકે-એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયનાં બીજા દરેકે-દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આજ માર્ગ છે!’
આત્માની ભાષણબાજી કરતા કહેવાતા સંતો અને એની વાતોમાં આવી જનાર આપણાં જેવી ભોળી પ્રજાને વિવેકાનંદ કહે છે કે, ‘જો ઇશ્વર હોય તો આપણે તેનું દર્શન કરવું જોઈએ ; જો આત્મા હોય તો આપણે તેની અનુભૂતિ કરવી જોઈએ ; નહીં તો, એમાં માનવું નહિ એ વધુ સારું છે. દંભી થવા કરતાં આખાબોલા નાસ્તિક થવું એ બહેતર છે!’ રજનીશજી ય કહેતાં જ હતાં’ને કે આત્માની વાતો કરતાં પુષ્કળ સંતો (ઓશો કહેતાં કે તમે એને સંત કહો છો કે એટલે હું કહું છું! બાકી ખરેખર એ સંત છે નહીં!) જો ખરેખર એને આત્માનું જ્ઞાન હોય તો આ પૃથ્વી ક્યારની સ્વર્ગ બની ગઈ હોત!
વિવેકાનંદ નાસ્તિક એટલે શું એનો ફોડ પાડતાં કહે છે કે, ‘જે મનુષ્યને પોતાની જાતમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. જુના ધર્મોએ કહયું કે જેને પ્રભુમાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે. પણ નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં જ શ્રધ્ધા નથી તે નાસ્તિક છે!’
પણ..પણ..અદબ વાળીને એકદમ ટટ્ટાર મુદ્રામાં ઊભેલો ફોટો, ચહેરાં પર રોનક-તાજગી-આત્મવિશ્વાસ અને જેને વાંચીને પણ કંઇક કરી નાખવાનું શુરાતન ચડી જાય એ વિવેકાનંદ પણ ડિપ્રેસનમાં આવે કે, એમને પણ ચિંતા થાય કે એ પણ થાકી શકે એવું માનવામાં આવે છે? પણ વિવેકાનંદની એ આંતરવ્યથા બહાર આવે છે તેમણે તેમની દેશી-વિદેશી શિષ્યોને લખેલાં પત્રોમાંથી!
એક પત્રમાં વિવેકાનંદ લખે છે: ‘બોસ્ટનમાં મજા પડશે તેવી આશા છે, માત્ર ત્રાસજનક ભાષણો આપીઆપીને કંટાળી ગયો છું …હું અતિશય થાકી ગયો છું. આ પ્રાંત (કલકત્તા) એવા ઈર્ષ્યાળુ અને નિર્દય લોકોથી ભરેલો છે કે તેઓ મારું કાર્ય તોડી પાડવા એકે ઉપાય બાકી નહીં રાખે. પરંતુ તમે જાણો છો કે જેમ જેમ વિરોધ વધે છે તેમ તેમ મારામાંનો રાક્ષસ જાગી ઉઠે છે!’
બીજા એક પત્રમાં લખે છે કે, ‘સંસારની આ માથાકૂટો અને ઝઘડાઓ માટે હું સર્જાયો ન હતો. સ્વભાવે જ હું સ્વપ્નશીલ અને વિશ્રાન્તિપ્રિય છું. હું તો એક જન્મજાત આદર્શવાદી છું અને સ્વપ્નોની દુનિયામાં જ હું રહી શકું છું. વાસ્તવિકતાનો સ્પર્શ સરખોય મારાં સ્વપ્નોમાં ભંગ પાડે છે, અને પરિણામે હું દુખી થઈ જાઉં છું!’
લડાકુ મિજાજ અને મર્દાનાં વિવેકાનંદએ પોતે અંદરથી કેવાં હતાં એ વાંચો તેમનાં જ શબ્દોમાં..‘હું પુુરુષ કરતાં સ્ત્રી જેવો વિશેષ છું. હું હંમેશાં વિના કારણે બીજાનું દુ:ખ મારા મન પર લઉં છું, એને તે પણ બીજાનું કશું ભલું કર્યા વિના. જેવી રીતે સ્ત્રીઓ, તેમને જો બાળક ન હોય તો તેઓ પોતાનો પ્રેમ બિલાડાં પર ઢોળે છે, તેમ’
વિવેકાનંદે પોતાનાં આયુષ્ય દરમિયાન એકત્રીસ જેટલી (હાં, એકત્રીસ!) બીમારીઓનો સામનો કર્યો હતો. જેમાં અનિદ્રા, લીવર, કિડનીનો રોગ, મેલેરિયા, માઇગ્રેન, ડાયાબિટીસ અને હૃદયને લગતી ઘણી બધી બીમારીઓનો સમાવેશ થતો હતો. વિવેકાનંદને મુખ્યત્વે અનિદ્રાની તકલીફ હતી. શશીભૂષણ ઘોષને લખેલાં પત્રમાં વિવેકાનંદ લખે છે કે, ‘મારા જીવનમાં હું ક્યારેય પથારીમાં પડતાંવેંત ઊંઘી શક્યો નથી!’
‘પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે!’ વિવેકાનંદે આવી ટકોર એટલે જ કરી હશે?
સાડત્રીસ વર્ષની વયે, મિસ મેકલાઉડ નામની શિષ્યાને લખે છે કે, ‘યુદ્ધોમાં ખૂબ હાર્યો છું અને જીત્યો પણ છું. મેં મારું બધું સંકેલી લીધું છે. હવે તો મહાન મુક્તિદાતાની રાહ જોઉં છું… મારાં કાર્યો પાછળ મહત્ત્વાકાંક્ષા છુપાયેલી હતી, મારા પ્રેમ પાછળ અંગત ભાવ હતો, મારી પવિત્રતા પાછળ ભય હતો, મારી દોરવણી પાછળ સત્તાની ભૂખ હતી! હવે તે બધું અદશ્ય થાય છે અને હું ઉપર તરું છું, મા! હું આવું છું, હું આવું છું!’ (વિવેકાનંદને મૃત્યુનો પૂર્વભ્યાસ થઈ ચૂક્યો હશે?)
આખરે ૪,જુલાઈ ૧૯૦૨નાં રોજ ફક્ત ૩૯ વર્ષ, પ મહિના અને રર દિવસમાં આ દુનિયાને અલવિદા કહી દીધું! અને વિવેકાનંદનું જાહેર જીવન કેટલું? માત્ર ‘નવ’ વર્ષ! પરંતુ આટલાં ટૂંકા વર્ષમાં જે કામ તેમણે કર્યું એનો તોટો આખી દુનિયામાં ક્યાંય મળે તેમ નથી!

તણખો


‘સારા લોકો જલ્દી મરી જાય છે. નહિ, એ વાત ખોટી  છે…સારા લોકો બહુ જલ્દી જીવી નાખે છે!’

-ચંદ્રકાંત બક્ષી


ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment