ભારતને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી/કાયમી સભ્ય પદ મળવું જોઈએ?

ઓપન વિન્ડો: યુરોપિયન રાષ્ટ્રોની સ્વાર્થી નીતિને લીધે થયેલાં વિશ્વ યુદ્ધોએ માનવતાથી લઈને સામાજિક-રાજકીય સુરક્ષાનો છેદ ઉડાડી દીધો. પરિણામે દ્વિતીય વિશ્વયુધ્ધ બાદ સામૂહિક સુરક્ષાની જરૂરિયાત અનુભવાયી. જેનાં પરિણામે વર્ષ,૧૯૪૫માં સંયુક્ત રાષ્ટ્ર સંઘનું નિર્માણ થયું અને તેનાં એક પ્રમુખ અંગ તરીકે સંયુક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાપના કરવામાં આવી.

સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય અને તેનાં કર્મચારીઓનાં નિવાસસ્થાન અમેરિકાની આર્થિક રાજધાની ગણાતાં ન્યુયોર્ક શહેરમાં આવેલા છે.

જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘનું બંધારણ ઘડાયું ત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ પાંચ દેશો સુરક્ષા પરિષદનાં કાયમી સભાસદો બન્યાં. જ્યારે જર્મની, ઈટલી કે જાપાન દુશ્મન દેશો હોવાથી અને ભારત હજું સ્વતંત્ર ન હોવાથી સામાન્ય સભા એટલે કે- જનરલ એસેમ્બ્લીમાં પણ સ્થાન અપાયું નહીં.

પણ..બીજું વિશ્વયુદ્ધ ખતમ થતાં અને વૈશ્વિક-રાજકીય માહોલ પલટાતાં જાપાન, જર્મની અને ઈટલીને દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ વિશ્વયુદ્ધમાં કંગાળ થઈ ગયેલાં યુરોપિયન રાષ્ટ્રો બ્રિટન, ફ્રાન્સ કે પોર્ટુગલનાં સામ્રાજ્યો વિસર્જન થયાં, જેનાં લીધે આઝાદ થયેલાં રાષ્ટ્રો પણ રાષ્ટ્રસંઘમાં જોડાયા.

સ્થાપના સમયે રાષ્ટ્રસંઘમાં માત્ર ૪૮ જેટલાં રાષ્ટ્રો હતાં, અને આજે ૧૯૩ જેટલાં રાષ્ટ્રો સભ્ય છે. જેમાંના પાંચ સ્થાયી સદસ્યો અને દસ અસ્થાયી સદસ્યો હોય છે. જેમાંના પાંચ સભ્યો કે જે સ્થાયી સભ્યો છે તેને વિટોનો એટલે કે નકારનો અધિકાર આપવામાં આવેલો છે. સામાન્ય સભા એટલે કે જનરલ એસેમ્બ્લી એ વર્ષમાં એક વાર બે મહિના માટે મળે છે. અને દર વર્ષે દસમાંથી પાંચ અસ્થાયી સદસ્યોની ચૂંટણી બે વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવે છે.

દુનિયામાં શાંતિ જાળવવી, નબળાં રાષ્ટ્રોની સલામતી, લડાઈ કે આંતરવિગ્રહની પરિસ્થિતિમાં શાંતિમય ધોરણે અથવા તો જરૂર પડે તો લશ્કરી કવાયત કરવાનો અધિકાર આ સુરક્ષા પરિષદને આપવામાં આવ્યો છે.

જેમાં ભારત આઠમી વખત વર્ષ ૨૦૨૧-૨૦૨૨નાં કાર્યકાળ માટે ૧૯૨માંથી ૧૮૪ મતો મેળવીને ચૂંટાય આવ્યું છે. (વર્ષ ૨૦૧૦માં, ભારતને ૧૮૭ મતો મળેલાં!) અગાઉ વર્ષ ૧૯૫૦-૫૧, ૧૯૭૨-૭૩, ૧૯૭૭-૭૮, ૧૯૮૪-૮૫, ૧૯૯૧-૯૨ અને ૨૦૧૧-૧૨માં એમ સાત વખત ભારત અસ્થાયી સભ્ય તરીકે ચુંટાઈ આવ્યું છે. ૧, જાન્યુઆરી ૨૦૨૧થી કાર્યકાળ શરૂ થશે અને ૩૧, ડીસેમ્બર ૨૦૨૨ સુધી. તેમજ ઓગસ્ટ,૨૦૨૧માં અને ૨૦૨૨માં એક મહિના માટે અધ્યક્ષ પદ પણ સાંભળશે.

છેલ્લાં વીસેક વર્ષોથી ભારત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં સ્થાયી/કાયમી સભ્યપદ મેળવવા માટે માંગણી કરી રહ્યું છે. અને એવાં સમયે અસ્થાયી સભ્ય તરીકે ચુંટાઈ આવવું એ એક આશાનાં કિરણ સમાન છે. સ્થાયી સભ્યપદ માટેની માંગનું કારણ એવું છે કે સંઘમાં પાંચ કાયમી સભ્યોને આપવામાં આવેલી વિટોની સતા એ વિશિષ્ટ સત્તા છે. સ્થાયી પરિષદમાં કોઈ પણ ઠરાવ પસાર કરવા માટે આ પાંચ કાયમી સભ્યોની મંજૂરી હોવી જરૂરી છે. જો એક પણ સભ્ય વિરોધી મત આપે એટલે કે વીટો પાવર વાપરે તો ઠરાવ કેન્સલ કરવામાં આવે છે. પણ જો આવા ઠરાવને ફરી જનરલ એસેમ્બલીમાં રજું કરવામાં આવે અને બે તૃતીયાંશ (૨/૩) જેટલી બહુમતી મળે તો વીટો પાવર રદ થાય છે. પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ જટીલ અને મુશ્કેલ છે.

પોણી સદી પહેલાં ઘડેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં બંધારણમાં સુધારો થવો જરૂરી છે. કેમ કે આટલાં વર્ષોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં-અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. એ સમયનાં ઘણાં દેશો જેમકે બ્રિટન, ફ્રાન્સ જેવાં રાષ્ટ્રો નબળાં પડ્યાં છે તો ભારત, બ્રાઝિલ, જર્મની કે જાપાન જેવાં રાષ્ટ્રો મજબૂત રીતે ઉપસી આવ્યાં છે.

સરહદથી લઈને રાષ્ટ્રસંઘ સુધી ખટપટ કરતું ચીન ભારત સ્થાયી સદસ્યપદ મેળવે એવું ક્યારેય સહન કરી શકે નહીં. પરંતું, ભારત રાષ્ટ્ર સંઘમાં ખૂબ જ સક્રિય ભાગ ભજવે છે. રાષ્ટ્રસંઘની શાંતિ સેનામાં સૈનિકો મોકલવાના હોય કે વાર્ષિક ભરણું ભરવાનું હોય, ભારત હંમેશાં અગ્રેસર રહ્યું છે. શાંતિ સેનાનાં ૪૩ જેટલાં અલગ-અલગ મિશનમાં ભાગ લઈને ૧,૮૦,૦૦૦ જેટલાં સૈનિકો ભારતે સંઘની શાંતિ સેનામાં આપ્યા છે જેમાંથી ૧૫૬ જેટલાં સૈનિકોએ બલિદાન આપ્યાં છે. જે બીજાં દેશોની સરખામણીમાં સૌથી મોટી સંખ્યા છે!

બીજું એ કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતું ભારત વસ્તીની દૃષ્ટિએ બીજા નંબર પર અને આશરે પોણા ત્રણ અબજ ડોલરની અર્થવ્યસ્થા સાથે પાંચમા નંબર પર અને ખરીદ શક્તિ સમાનતાની દૃષ્ટિએ ત્રીજા નંબર પર છે. આમ, ભારત એકદમ તેજીથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું પણ એક છે. જે ખાલી ભારત જ નહિ સમગ્ર વિશ્વનાં વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ છે. સાથે-સાથે ભારતની વિદેશનીતિ એ હંમેશાં ‘वसुधैव कुटुम्बकम्’નો અને વિશ્વ શાંતિનો આદર્શ અપનાવ્યો છે. એટલાં માટે જો ભારતને સલામતી સમિતિમાં કાયમી પદ આપવામાં આવશે તો ખાલી વિકાસશીલ રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ જ નહીં, પરંતુ સુરક્ષા પરિષદને વધુ લોકશાહી બનાવવામાં મદદ મળશે.

પરંતુ કાયમી સભ્યો રહેલાં પાંચ રાષ્ટ્રો જ સૌથી મોટો વિક્ષેપ છે. એ પાંચ રાષ્ટ્રો જ કોઈને કાયમી સદસ્યો તરીકે શામેલ કરવા માંગતા નથી કે બંધારણમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી એ નક્કર હકીકત છે. અમેરિકા, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ એ ભારતનાં કાયમી સભ્યપદ માટે હકારાત્મક વલણ દાખવી રહ્યાં છે પરંતુ હજું કોઈ ઠોસ ક્રિયા કરવામાં આવી નથી. હાથીનાં દેખાડવાનાં દાંત પણ અલગ અને ચાવવાનાં દાંત પણ અલગ જેવી સ્થિતિ છે.

બીજી વિક્ષેપ એવો છે કે બીજા દેશો જેમ કે પાકિસ્તાન અને બીજા મુસ્લિમ રાષ્ટ્રો (અમેરિકા સાથેની દોસ્તી અને ઇઝરાયેલ સાથેનાં સંબંધના લીધે) પણ ભારતનાં સભ્યપદને નકારી રહ્યાં છે. અને ખટપટીયુ ચીન ભારતની વિરુદ્ધમાં વીટો વાપર્યા વગર રહેશે નહીં. વૈશ્વિક મોરચે પોતાની સ્થિતિ નબળી પડે એવું કોઈ રાષ્ટ્ર સાંખી શકે નહીં.

એક દરખાસ્ત એવી પણ છે કે કાયમી સભ્યપદ આપવું પરંતુ વીટો પાવર જેવી મહત્વની સત્તાઓ આપવી નહીં. આવી મહત્વની સત્તા વગરનાં કાયમી સભ્યપદનું કંઈ જ મહત્વ નથી.

અસ્થાયી સભ્યપદ મળે એ બહું સારું થયું કહેવાય પરંતું સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવવાં માટે ભારતે બહું આકરા ચઢાણ ચડવા પડશે!

તણખો


આંતરરાષ્ટ્રીય સંબંધોમાં, નથી કોઈ કાયમી મિત્ર હોતું કે નથી કોઈ કાયમી શત્રુ હોતું… ફક્ત કાયમી હિતો હોય છે!
-એક કહેવત


ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment