ગુજરાતી ભાષામાં ‘છ અક્ષરનું નામ’ ખૂબ જ જાણીતું છે, એ છે રમેશ પારેખ.
આધુનિક ગુજરાતી સાહિત્યમાં રમેશ પારેખ જેટલી લોકપ્રિયતા ભાગ્યેજ કોઈને મળી હશે.
ગદ્યમાં પાત્રો યાદગાર બની જતા હોય છે પરંતુ પદ્યમાં પાત્રની આસપાસ નું ભાવનાત્મક વાતાવરણ ઉભુ કરીને પાત્રને અમર બનાવી દેનાર લયના રાજવી કવિ શ્રી રમેશ પારેખ એમની કૃતિઓમાંના આલા ખાચર જેવા પાત્રોને આજેય ભાવકો યાદ કરે છે, એમનું કાલ્પનિક પાત્ર ‘સોનલ’તો જિજ્ઞાસા જગાડે એટલું લોકપ્રિય થયેલું .સોનલને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતોમાં આ પાત્ર અમર થઈ ગયું તો મીરાંને તેમણે અલગ પરિપ્રેક્ષમાં રજૂ કર્યાં છે. ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોમાં એમનું પ્રદાન કયારેય ન ભૂલી શકાય એટલું સમૃદ્ધ છે, તો બાળસાહિત્યમાં પણ આ સર્જક એટલા લોકપ્રિય છે. સાહિત્ય સંગીત, ચિત્રકલા એમના મનપસંદ વિષયો હતા.ચિત્રકલાના અભ્યાસ માટે જે.જે.સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવો હતો,પણ નાણાકીય ભીડને કારણે તેમ ન કરી શકયા.
જોકે ચિત્ર અને સંગીતને છેક સુધી જાળવી શકયા. તેમનો જન્મ 27/11/1940ના રોજ અમરેલીમાં કપોળ વણિક કુટુંબમાં થયો હતો.
રમેશ પારેખની રચનાથી શબ્દાંજલી
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે
બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે
‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.
– રમેશ પારેખ