જન્મ આપવો એ એકમાત્ર જ છે સત્યનું સર્જન!

તો આપણે કવિયિત્રીવિશ્વનાં પહેલાં અંકમાં ભારતની અલગ- અલગ કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. બીજા અંકમાં અલગ-અલગ દેશની કવયિત્રીઓની કવિતાઓનો આસ્વાદ માણ્યો. હવે ત્રીજા અને છેલ્લાં આ અંકમાં એને જ આગળ વધારીએ.

ઉરુગ્વેની કવયિત્રી ડેલમિરા અગુસ્તીની લખે છે:
વિરલ અંધકાર બનાવે મારા વિશ્વને અંધારિયું,
તારક સમો આત્મા જેની સાથે ચડું ઊંચે, પડે નીચે;
આપો મને તમારો પ્રકાશ આપો!
વિશ્વને છુપાવી દો મારાથી!
(અનુ: શશી મહેતા)

એલિઝાબેથ રીડેલ નામની ઓસ્ટ્રેલિયન કવયિત્રી કહે છે:
મને ક્યારેક એવું લાગે છે કે
મારું હૃદય સૂઝી ગયું છે
લોહી વહે છે તારા નામના લાવણ્યહીન અક્ષરો તરફ
એ અક્ષરો કોઈક સુગંધની વાત કહે છે
એમાં કંઇક અગ્નિ ધૂમ્રલેખા પણ છે
સિતારા વિનાનાં મોજાંઓનો સંવાદ છે
અને બળબળતી રાત છે!
(અનુ: સુરેશ દલાલ)

કુવૈતની સાઉદ અલ-મુબારક અલ-સબાહ નામની કવયિત્રી એના પ્રેમીને સંબોધે છે:
તું એકલો, માત્ર તું એકલો… મારા ઇતિહાસને નિયંત્ત્રે છે.
અને એના પહેલાં પાના પર ને ત્રીજા ને દસમા
ને છેલ્લાં પાના પર લખે છે તારું નામ.
તને એકલાને જ.
મારા જન્મની પહેલી સદીથી
એકવીસમી સદી સુધી
મારા દિવસો સાથે પ્રેમથી રમવાનો તારો અધિકાર છે.
તને એકલાને જ તારી ઈચ્છા પ્રમાણે
દિવસો ઉમેરવાનો કે બાદ કરવાનો હક છે.
તારી હથેળીમાં વહે છે મારો સમગ્ર ઇતિહાસ
અને ફરી પાછો ઝરે છે મારી જ હથેળીમાં.
(અનુ: ઉત્પલ ભાયાણી)

કેનેડિયન અમિતા મોદી જન્માક્ષર નામની કવિતામાં જ્યોતિષ અને પંડિતો પર કટાક્ષ કરતાં કહે છે:
કાગળની એક ચબરખીમાત્રથી
તમે મને કઈ રીતે જાણી શકશો?
ગ્રહોનું શુષ્ક ગણિત
કઈ રીતે મારા જીવનના રહસ્યને પ્રગટ કરશે!

તમને તો એવી અપેક્ષા છે કે
આ સિતારાઓ
વાદળી, વાદળો અને સમુદ્રના મોજાઓનો
આકાર અને નકશો તૈયાર કરી આપશે
અને બીજગણિત ફૂલોની સુગંધનું સમીકરણ કરી આપશે
પણ તમે ભૂલી જાઓ છો
ઈશ્વરે જીવનનું સર્જન કર્યું છે
કઠપૂતળીઓની જમતનું નહીં.

વહેલી સવારે તમે ઉગતા સૂર્ય વિશે કંઈ ન કહો
સવારના ઝાકળબિંદુથી
સાંજનું રહસ્ય જાળવી રાખો
ફૂલોની સુગંધને કોઈ પણ પ્રકારની આયોજના વિના
વિસ્તરવા દો
પવનમાત્રના વિચારથી
જ્યોતને કંપાવો છો શું કામ?

કાળને ઉકેલવા દો હોવાપણાના રહસ્યને
વહી જતી ક્ષણોને ઘટનાઓની તાજગી આપવા દો
નજરબંધી વિના જીવનને જીવવા દો
મારા ઝરણાંના વહેતા જળને
શા માટે થીજવી નાખો છો?
હે આંકડાના પંડિતો
શા માટે મારી જિંદગીને સસ્તી કરી મૂકો છો?
(અનુ: સુરેશ દલાલ)

ગ્રીસની નોસીસ નામની કવયિત્રી લખે છે:
કશું, કશુંય નથી, અહો!
પ્રેમ કરતાં મધુરું
ઊંચે સર્વથી, ઓષ્ઠથી ઝરતું પ્રણયમધુ,
મોજ ને મજાઓ સઘળી
તે પછીના ઉતરતા ક્રમે.

નોંધી લો, વાની નોસીસની:
કામદેવ ને રતિકૃપાથી
ફેંકાઈ જાય નીચે જે
જાણી શકે કદી ના
આવા પુષ્પો
પ્રફુલ્લિત થઈ ઉઘડતા ગુલાબો!
(અનુ:બાલકૃષ્ણ)

સાફો નામની બીજી એક કવયિત્રી કહે છે:
તારી વાતથી, તારા હાસ્યથી
મંત્રમુગ્ધ થઈ ગયેલો પુરુષ
જે તારા પડખે છે એ લગભગ ઈશ્વર છે!

બારમી સદીમાં થઇ ગયેલી જર્મનીની કવયિત્રી ફ્રાઉ આવા લખે છે:
હું તારી છું
તું મારો છે.
આ વિશે આપણે નિશ્ચિત છીએ
તું વસે છે
મારા હૃદયમાં
અને નાની અમથી ચાવી
ખોવાઈ ગઈ છે.
હવે તારે રહેવાનું છે ત્યાં
સદાય માટે.
(અનુ: સુરેશ દલાલ)

જાપાની કવયિત્રી મારિશિકો કહે છે:
તને પ્રેમ કરવો એ
દરિયાનું પાણી પીવા બરાબર છે.
જેટલું પાણી પીઉં એટલી
વધુ ને વધુ તરસી બનું છું.
એટલી બધી કે છેવટે
મારે તરસ મિટાવવા આખો દરિયો પીવો પડશે.
(અનુ: જ્યોતીન્દ્ર નિર્મળ)

યોસાનો અકિકો નામની જાપાનીઝ કવયિત્રી પ્રથમ પ્રસુતિની વેદના આલખે છે:
આજે મારા જીવને કૈ સારું નથી લાગતું
શરીરને પણ ઠીક નથી.
બાળજન્મ પહેલાં હું પડી છું પથારીમાં
ચૂપચાપ, મારી ખુલ્લી આંખે.

આમ તો મરણ સાથે અવારનવાર મુકાબલો કર્યા છતાંય
અને પીડા, વેદનાં, લોહી અને ચીસથી ટેવાયેલી હોવા છતાંય

આજે હું કેમ આટલું બધું કંપુ છું
બેકાબૂ ચિંતા અને ભયથી!

જુવાન ડોકટર આવે છે અને આશ્વાસન આપે છે
અને બાળકના જન્મના સુખ વિશે મને સમજાવે છે.
એના કરતાં હું વધારે જાણું છું.
પણ અત્યારે અબઘડીએ એનું શું કામ?

જ્ઞાનને અને વાસ્તવિકતાને કાઈ લેવાદેવા નથી.
અનુભવ તો ભૂતકાળનો હોય છે
મહેરબાની કરી બધાં જ શાંત થાવ
માત્ર જોયા કરું બધુંયે ધરી સાક્ષીભાવ.

હું સાવ એકલી છું
હું સાવ એકલી છું સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે.
હું રાહ જોઇશ મારા પોતાના પ્રભૂકર્મની
શાંતિથી કરડ્યા કરું મારી જીભ.

જન્મ આપવો
એ એકમાત્ર જ છે સત્યનું સર્જન.
મારામાંથી જ હકીકતરૂપે એ વિસ્ફોટે છે
સારા અને ખરાબ માટે કોઈ અવકાશ નથી.

હવે, આ પહેલી વે ઉપડી…
સૂર્ય અચાનક ફિક્કો પડી ગયો.
દુનિયા ઠંડી અને શાંત પડતી રહી
અને હું સાવ એકલી…
(અનુ: સુરેશ દલાલ)

તુર્કસ્તાનનું એક પ્રેમગીત છે:
તારો રૂમાલ ભૂરો હોવો જોઈએ
પ્રેમી સાથે એ સુસંગત છે
રૂપાળો પ્રિયતમ હોય
તો પીડા સહન થઈ શકે!

બીજું એક મરણગીત છે:
જે માણસ પ્રેમથી મરી ગયો હોય એને
એ લોકો કઈ રીતે દાટી શકશે?
(અનુ:સુરેશ દલાલ)

પાકિસ્તાની ઉર્દૂ કવયિત્રી પરવીન શા લખે છે:
સહનશક્તિનું મારી હું પ્રમાણ લેવાની:
હું મારા હાથથી એની દુલ્હન સજાવાની.

દઈને હાથ એનો ચાંદનીના હાથમાં,
હું મારા ઘરના અંધારામાં પાછી ફરવાની.

શરીરના દરદને એય પણ નહીં સમજે,
હું કોનાથી રિસવાની, કોને મનાવાની?

હવે એની કલા તો કોઈ બીજાને આધીન,
હું એકલી રહીને કોની નઝમ ગાવાની?

રહ્યો ન નામનો સંબંધ એની સાથે પણ,
હજુય એની સામે માથું હું નમાવાની.

એ યોગ્યતા નવી ચાહતની ખોળતો રે’તો
કહી રહ્યો’તો એવું હું એને ભૂલી જવાની!
(અનુ: અશોક ચાવડા)

સ્પેનિશ કવયિત્રી સેન્ટ ટેરેસા કહે છે:
કશાની તારા પર અસર થતી નથી;
કશાની તને ભીતિ નથી;
બધું જ પસાર થયે જાય છે;
ઈશ્વર કદી જરાય બદલાતો નથી.

તું તારે પૂરેપૂરી ધીરજ ધરી રાખ,
ઈશ્વરમાં જેને શ્રધ્ધા છે
તેને કદી કશાયની જરૂર પડતી નથી
બસ, ફક્ત ઈશ્વર જ પૂરતો છે.
(અનુ: મહેશ દવે)

તણખો


ભલેને હોય મારી પાસે
મારું પોતાનું સૌંદર્ય
આવડે છે ભરત ગૂંથણ પણ
બરાબર
પણ જન્મી તો ગરીબના ઘરમાં જ ને
અને ઉછરી પણ હું ત્યાં જ
તો શું કામ આવશે કોઈ
મારે ઘેર માંગુ લઈને?
~હો ના સેલ હેન (કોરિયન)
(અનુ:સુશી દલાલ)


-ડો.ભાવિક આઈ. મેરજા

Related posts

Leave a Comment