એક વર્ષથી ખરાબ રસ્તાની કરવામાં આવતી રજૂઆતને પગલે તંત્રએ માત્ર ખાડા જ પૂર્યા…!

  • રાજસીતાપુરથી ભારદ ગામ સુધીમાં ખાડા પુરાયા જ્યારે રાજચરાડી, સરવાળ ગામ તરફના રસ્તાની હાલત યથાવત
  • “ફક્ત ખાડા જ પુરવામાં આવશે, પાકો રસ્તો બનાવામાં નહીં આવે??” સ્થાનિકોનો મોટો સવાલ

ગુજરાત: રોડ રસ્તાની ખરાબ હાલતને કારણે ઘણી વખત અકસ્માત થવાનો ભય રહે છે. આમ ખરાબ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કર્યા બાદ જ તંત્રને એ ધ્યાને આવતું હોય છે. ત્યારે ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી સરવાળ, માલવણ ગામડા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવા અંગે તંત્રમાં એક વર્ષથી સ્થાનિકો રજૂઆત કરતાં હતાં. જ્યારે તંત્ર દ્વારા ગત મંગળવારે રાજસીતાપુરથી ભારદ સુધીમાં ખાડા પુરવામાં આવ્યાં છે અને રાજચરાડી, સરવાળ તરફના રસ્તાની હાલત યથાવત જ છે!

15 માર્ચ, 2021ના રોજ રાજચરાડી ગ્રામપંચાયત દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુરથી સરવાળ ગામડા તરફ જતો રસ્તો બિસ્માર હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અગાઉ પણ રાજચરાડીના રહેવાસી હિતેશભાઈ પુનાભાઈ ચાવડાએ 28 ઓગસ્ટ, 2020ના રોજ ધ્રાંગધ્રાના નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ ખાતે ખરાબ રસ્તાનું તાત્કાલિક ધોરણે કામ થાય અને રાજસીતાપુરથી સરવાળ, માલવણ તરફનો રસ્તો ડબલ પટ્ટીનો થાય તેવી રજૂઆત કરી હતી.

આમ અનેક વખત અરજીઓ અને રજૂઆત કર્યાના એક વર્ષ થયાં બાદ તંત્ર દ્વારા ગત મંગળવારે ખરાબ રસ્તા પર માત્ર ખાડા જ પુરવામાં આવ્યાં હતાં. જેમાં માત્ર રાજસીતાપુરથી ભારદ ગામ સુધીના રસ્તાના જ ખાડાઓ પુરવામાં આવ્યાં હતાં અને રાજચરાડી, સરવાળ ગામ તરફના રસ્તાની હાલત યથાવત જ છે! હાલાકી ભોગવી રહેલાં સ્થાનિકોએ આપવીતી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ફક્ત ખાડા જ પુરવામાં આવશે, પાકો રસ્તો બનાવામાં નહીં આવે??”

Related posts

Leave a Comment