કોરોનાનો ઉથલો, આપણી બેદરકારી અને સરકારી તંત્રની નફ્ફટાઈ!

…તો કોરોના મહામારી આવી. એના લીધે લોકડાઉન ય આવ્યું. નાગરિકોએ ભરપૂર સાથ આપ્યો. ધીમે ધીમે અનલોકડાઉન પણ થયું. થોડી-ઘણી છૂટ-છાટો ય મળી. પણ અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ. સરકારે અસરકારક પગલાં ય લીધાં. રસી પણ આવી. તબક્કાવાર રસીકરણ પણ ચાલું થયું. અર્થવ્યવસ્થા ભાખોડિયા ભરતી ચાલવા લાગી. મોંઘવારીએ માઝા મૂકી. પેટ્રોલ-ડીઝલનાં ભાવ ક્યાંય આસમાને પહોંચ્યા. પણ લોકોએ બધું વેઠી લીધું. અગાઉની જેમ જ. અને ફરી કોરોનાએ ઉથલો માર્યો.

રસી આવી એનાં પહેલાં બધાંને એવું લાગવા માંડ્યું હતું કે બોસ… એક વાર રસી આવી જાય, બધું જ સોલ્યુશન થઈ જશે. કારણ કે રસીકરણનો પ્રચાર જ એવી રીતે થયો. અમુક બાબતો બાદ કરતાં સરકારે ખૂબ સરસ કામ કર્યું રસીકરણમાં. પણ હમણાં જે એક લેખ આવેલો રસીકરણ બાબતમાં એ ચિંતા જન્માવે એવો લેખ હતો. વાઇરસ મ્યુટેશનની જે વાત એ લેખમાં કરેલી એ એક વખત વિચારવું પડે એવી વાત હતી.

પણ કોરોનાએ બીજી વખત ઉથલો માર્યો, અને આપણા તંત્રનાં છબરડાંઓ દેખાઇ આવ્યા. ભૂતકાળમાંથી ન શીખવું એ આપણી જૂની માનસિકતા હજું ય ના બદલાણી. ના સરકારની કે ના લોકોની- આપણી.

સંવેદનશીલ સરકાર તદ્દન અસંવેદનશીલ તરીકે વર્તી. નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેફામ સભાઓ-મેળાવડા કર્યા. પણ સામે વાંક નાગરિકોનો પણ એટલો જ. સભા-મેળાવડામાં જતું હતું કોણ? રસી પેન્ડેમિકને અટકાવી ના દે, એટલી સામાન્ય વૈજ્ઞાનિક સમજ ય એ વખતે આપણામાં આવી નહીઁ. પંડિત જવાહરલાલ નેહરુએ એક વખત ચિંતા વ્યક્ત કીધેલું કે ભારતીયોએ ‘સાયન્ટિફિક ટેમ્પર’ વિકસાવવાની ખાસ જરૂર છે.

ટેસ્ટિંગ કીટની અછત, રેપિડ ટેસ્ટની અને RT-PCR ટેસ્ટની બન્નેની! (પણ ભાજપનાં કાર્યાલયમાં છે!) હોસ્પિટલમાં બેડની સંખ્યા, દવાઓ, ઇન્જેક્શન આ બધામાં મોટાં પાયા પર છબરડાઓ થયા. ઇંજેક્શન અને વેન્ટિલેટર ન મળવાને લીધે પુષ્કળ લોકોનાં મૃત્યુ થયાં. (પણ પાંચ હજાર ઇંજેક્શન ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી. આર પાટીલ પાસે છે!) ઘણી સિવિલ હોસ્પિટલોએ તો RT-PCR ટેસ્ટ જ બંધ કરી દીધા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અમને RT-PCR ટેસ્ટ કરવાની જ પહેલાં તો ના પાડી દીધેલી. કારણ આપ્યું હતું કે કીટ જ નથી! અને દલીલ કરી તો કહે આર.એમ.ઓ સાથે વાત કરી લો, ઉપર વાત કરી લો! અરે, થોડુંક વિચારો જે માણસ માંડ-માંડ ઊભો રહી શકે છે એ ઉપર વાત કરવા ને ત્યાં વાત કરવા સક્ષમ હોય? સરકાર જાણે કોરોના જતો જ રહ્યો હોય એવું માની બેઠી હોય એવું લાગ્યું. સરકારી તંત્ર કોરોના મેનેજમેન્ટ બાબતમાં નિષ્ફળ ગયું. સમગ્ર સરકારી તંત્ર પાસે દૂરંદેશીતાનો અભાવ છે એ છતું થયું. અને સાવ છેલ્લી કક્ષાનાં નિર્ણયો લીધાં.

કોરોનાનો દર્દીને શારીરિક અઅશક્ત હોવાં છતાય ખાલી રેપિડ ટેસ્ટ કરાવવા માટે બે-ત્રણ કલાક લાઇનમાં ઉભુ રહેવું પડે એ દૃશ્યો ધ્રુજારી ઉપાડી દે તેવા છે. સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓને રસ્તામાં બાટલાઓ ચડાવવા પડ્યાં છે. ખુદ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની મુલાકાત પછી ય કોઈ જોઈએ એવો સુધારો મોરબીમાં આવ્યો નથી. પરિસ્થિતિ જેમની તેમ જ છે. જેમ જેમ ભૌતિક જગત પોતાનો વ્યાપ વધારતું જાય છે તેમ તેમ આપણી સંવેદના પણ મરતી જતી હોય એવું લાગે છે.

મહાનગરોમાં ઘણાં સમયથી નાઇટ કર્ફ્યું છે. અને બીજા વીસ જિલ્લાઓમાં હવે કોર્ટના આદેશથી કરવામાં આવ્યો. થોડાં દિવસ પહેલાં જ આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રાત્રી કરફ્યુનું કારણ આપ્યું. પરંતુ કારણ જોઈએ એટલું ગળે ઉતરે એવું નથી. પાનનાં ગલ્લા કે ચાની કીટલી પર જેટલાં લોકો ભેગાં થાય છે, એનાથી વધારે લોકો મોલ અને થિએટરમાં ભેગા થાય છે. પરંતુ સરકાર કંઇક કઠોર પગલાં લે છે એવું બતાવવાની હોડમાં કેટલાય ધંધા અને એ ધંધા પર નભતાં લોકોની અને એના આખા કુટુંબની બલી ચડી ગઈ! પણ કોઈને કાઈ પડી નથી. આપણું શું એમાં? એવું વિચારીને સરકારનાં પગલાંઓની વિરુદ્ધમાં પણ કોઈ બોલતું નથી. બધે નફો જ જોવાની ગુજરાતી માનસિકતાને લીધે ય કોરોના કાળમાં ઘણાં કપરા પરિણામો ભોગવવાં પડ્યાં.

સરકારો વર્ષોથી આંકડા છુપાવવાની રમત રમી રહી છે. કોરોનામાં પણ એ પ્રથા ચાલું જ રહી. સરકારી આંકડામાં રતી ભાર ય લોકોને વિશ્ર્વાસ નથી એ જમીની વાસ્તવિકતા છે! જ્યારે સાચા આંકડાઓ બતાવીને જનતાને પરિસ્થિતિથી વાકેફ કરવાની હોય એવા સમયે આંકડા છુપાવીને સરકાર બતાવવાં શું માંગે છે? કે અમારાં રાજ્યમાં કેસ ઓછાં છે એવું? આંખો બંધ કરી દેવાથી, દેખાતું બંધ થાય, પણ પરિસ્થિતિ નાબૂદ ના થઈ જાય કે પરિસ્થિતિનો હલ ના થઈ જાય. આશા રાખીએ છીએ કે નાગરિકો જેટલો સપોર્ટ તંત્રને કરે છે, સામે એટલું જ વળતર નાગરિકોને મળે!

પણ હજુ ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય મંત્રીશ્રીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે! બેફામ સભાઓ, રોડ-શો કરવામાં! એક બાજુ વડાપ્રધાનશ્રી રાજ્યોના મુખ્યમંત્રી સાથેની મિટિંગોમાં સફાયુ મારે છે, ચિંતા વ્યક્ત કરે છે અને બીજી બાજું હજારો લોકોને ભેગા કરે છે! સાહેબ, શરમ જેવું ય કંઇક હોય કે નહીં? કેટલાં મોઢે બોલશો? આખા દેશમાં હાહાકાર છે, માણસો રીબાય રિબાયને મરી રહ્યા છે, અને તમને ચૂંટણી સભાઓની પડી છે! થોડુંક મનોમંથન કરીને તમે કેન્દ્રીય મંત્રી પ્પદની ગરિમાને સાચવી લો એવી અમારી અપેક્ષા છે.

તણખો:


सिर्फ़ हंगामा खड़ा करना मिरा मक़्सद नहीं;
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए!

मेरे सीने में नहीं तो तेरे सीने में सही;
हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए!
~दुष्यंत कुमार


-ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment