- બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ
- દૂધ વેચીને કરોડપતિ બની આ મહિલાઓ, બનાસડેરીએ જાહેર કરી ટોપ-10 સફળ મહિલાઓની યાદી
ગુુુજરાત: ઔદ્યોગિક ક્ષેત્રે પહેલાંથી જ સાવ પછાત અને અનેક અભાવો વચ્ચે ગુજરાતના એક ખૂણામાં વસેલ બનાસકાંઠાના પશુપાલકોએ દુધના વ્યવસાયમાં કરેલ ઝડપી પ્રગતિએ ભારત દેશ અને વિશ્વને વિચારમુગ્ધ કરી દૂધ ક્ષેત્રે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર બન્યો છે. જિલ્લાની અભણ મહિલાઓ સાથે ડિગ્રી ધરાવતી મહિલાઓ પણ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરી લાખોની કમાણી કરતી થઇ છે. ત્યાના પશુપાલકોનું જીવનધોરણ તેજીને ટકોરે આગળ વધી રહ્યું છે, જેની પાછળ ચેરમેન શંકર ચૌધરીનું સફળ નેતૃત્વ મહત્ત્વનું પરિબળ બનીને ઊભરી આવ્યું છે.
બનાસડેરી સાથે સંકળાઈને નાણાકીય વર્ષ 2020-21 માં સૌથી વધુ દૂધ વેચીને વિક્રમજનક આવક પ્રાપ્ત કરનાર બનાસકાંઠાની 10 લાખોપતિ ગ્રામીણ મહિલા પશુપાલકોના નામની યાદી બનાસડેરીએ જાહેર કરી છે. જિલ્લા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ૧૦ ને “શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી” અંતર્ગત અને દરેક તાલુકા કક્ષાએ સૌથી વધુ કમાણી કરનાર ટોપ ત્રણ મહિલાઓને “બનાસ લક્ષ્મી” અંતર્ગત ઇનામ આપવામાં આવે છે. આ મહિલાઓએ વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ વેચીને વર્ષના 1 કરોડ રૂપિયા સુધીની કમાણી કરીને સ્ત્રી-શક્તિની તાકાત અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ વિશ્વને બતાવી દીધું છે.
વર્ષ 2020-21 માં કરોડો સુધીની કમાણી કરનાર બનાસડેરીની ટોપ 10 મહિલા પશુપાલકો
1. ચૌધરી નવલબેન દલસંગભાઇએ 2.52 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 1 કરોડથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
2. ચાવડા હંસાબા હિમંતસિંહએ 2.82 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 77.80 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
3. રબારી દેવિકાબેન પુનમભાઈએ 1.95 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 72.79 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
4. ચૌધરી સેજીબેન વજાજીએ 2.19લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 71.85 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
5. સાલેહ મૈસરાબેન અમીનજીએ 1.36 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 69.28 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
6. ચૌધરી મધુબેન વિરજીભાઈએ 2.11લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 60.45 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
7. રાજપૂત કેશીબેન ગુલાબસિંહએ 2.09 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 58.64 લાખથી પણ વધુ રૂપિયાની કમાણી કરી છે.
8. વાગડા કેશીબેન વાલાભાઈએ 2.14 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 57.85 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
9. લોહ ગંગાબેન ગણેશભાઇએ 1.66લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 53.62 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
10. રાજપૂત મધુબેન ચંદનસિંહએ 1.78 લાખ કિ.ગ્રામ દૂધ વેચીને 46.40 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે.
(ગાય અને ભેંસના દુધના ફેટ આધારિત પૈસા ચુકવાયા છે એટલે માટે જ અમુક મહિલાઓએ ઓછું દૂધ ભરાવ્યું છે પણ ફેટના કારણે વધુ પૈસાની કમાણી કરી છે.)
આ ઉપરાંત બનાસડેરી દ્વારા બનાસકાંઠાના દરેક તાલુકામાં પ્રથમ ત્રણ સૌથી વધુ દૂધ ભરાવીને કમાણી કરનાર મહિલાઓને પ્રમાણપત્ર સાથે ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દૂધ ઉત્પાદન કરીને કરોડો સુધીની કમાણી કરતી બનાસકાંઠાની આ મહિલાઓ શ્વેતક્રાંતિ થકી મેદાન મારી રહી છે. મહિલાઓ પશુપાલન વ્યવસાય દ્વારા દર મહિને ૪-૭ લાખ સુધીની આવક મેળવે છે. જીવનમાં પૈસા અને નામ કમાવવા માટે મોટી ડીગ્રી અને લાયકાતની જરૂર પડે છે તેવી માન્યતાને આ મહિલાઓએ ખોટી પાડીને આજના ભણેલા-ગણેલા ડીગ્રીઓ ધરાવતા યુવાનોને પ્રેરણા પુરી પાડી છે સાથે સાબિત કર્યું કે મહેનત અને ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ અશક્ય કામને શક્ય કરી શકે છે.
સંઘના આદ્યસ્થાપક સ્વ.ગલબાકાકાનું સપનું હતું કે “જિલ્લાની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે” તે સ્વપ્ન આજે ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં સાકાર થતું જોવા મળી રહ્યું છે.
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના લોકોને પશુપાલન વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે પશુપાલન એ કૃષિ સાથે સંકળાયેલો વ્યવસાય છે. જો ખેડૂતોને કૃષિમાં નિષ્ફળતા મળે તો તેઓ પશુપાલન થકી સરભર થઇ શકે છે.