પોર્ન સાઇટ સર્ફિંગ/બ્લ્યુ ફિલ્મો જોવી એ બળાત્કારની ઘટના માટે કેટલી જવાબદાર?

તાજેતરમાં ઉત્તર પ્રદેશ પોલીસે ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી (Pornographic Content) સર્ફિંગ કરી રહેલા લોકો પર નજર રાખવા માટે એક કંપનીની નિમણુક કરી. ‘યુપી મહિલા પાવરલાઈન- 1090’ નામની એક નવી ટીમની સ્થાપના કરવામાં આવી છે કે જે – કોઈ વ્યક્તિ દ્વારા ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી કેટલી વખત જોવામાં આવે છે- તેના પર નજર રાખીને ચેતવણી આપવામાં આવશે.

પોલીસ કોપના કહેવા અનુસાર- આ પહેલનું કારણ તમામ યુવાનોને મેસેજ આપવાનો છે કે તેઓ જે અશ્લીલ સામગ્રીને વારંવાર જુએ છે, તે મહિલાઓના અત્યાચાર સામે વધતા જતાં ગુનાઓ પાછળનું સંભવિત કારણ છે.

ફરી એક વાર મૂળભૂત અધિકાર એવો ગોપનીયતાનો અધિકારથી (Right to Privacy) લઈને પોર્નોગ્રાફી સારી છે કે ખરાબ? કે તેને પ્રતિબંધિત કરવી જોઈએ કે નહીં? આવા પ્રશ્નોએ ચર્ચા જગાવી છે.

પોર્નોગ્રાફીક ઉદ્યોગ સાહિત્ય, ફોટા, ઓડિઓ, એનિમેશન, ચલચિત્રો, રમકડા અને વિડિઓ ગેમ્સ સહિતના લૈંગિક સામગ્રીના ઉત્પાદન અને વિતરણમાં સામેલ છે. દર વર્ષની વિશ્વભરમાંથી આ ઉદ્યોગની કેટલી આવક છે એનો અંદાજ છે? સતાવન અબજ ડોલર! કે જે આવક તમામ વ્યવસાયો કે ફૂટબોલ, બેઝબોલ અને બાસ્કેટબોલની રેવન્યુની સંયુક્ત આવક કરતા વધારે છે!

અમેરીકા અને બ્રિટન પછી ભારત પોર્નોગ્રાફીક કન્ટેન્ટ જોવામાં ત્રીજા નંબર પર છે!

ઘણાં નારીવાદીઓનું માનવું છે કે પોર્નોગ્રાફી એ થિયરી છે- બળાત્કાર એ પ્રેક્ટિસ છે!

ઇન્ટરનેટની દુનિયામાં એક સૌથી મોટી પોર્નોગ્રાફી સાઇટે પ્રસિદ્ધ કરેલા ડેટા મુજબ વર્ષ 2018માં તેની સાઇટ પર કુલ 3300 કરોડ લોકોએ વિઝિટ કરી હતી! જો પ્રતિ દિવસના આંકડાઓની વાત કરીએ તો સાઇટ પર સરેરાશ 92 મિલિયન એટલે કે 9 કરોડ 20 લાખ લોકો! આગળ જણાવ્યું હતું કે વિઝિટ દરમિયાન એક યુઝર સરેરાશ 10 મિનિટ અને 13 સેકન્ડ જેટલો સમય ગાળે છે! અને ભારતીયો સરેરાશ 8 મિનિટ અને 23 સેકન્ડ!

વર્ષ 2013માં કમલેશ વાસવાણી નામનાં વકીલે સુપ્રીમ કોર્ટમાં આઇટી એકટ, 2000ની ધારા 66, 67, 69, 71, 72, 75, 79, 80 અને 85ને પડકારતી જન હિત યાચિકા (Public Interest Litigation) દાખલ કરી.
અને માંગણી કરી કે પોર્નોગ્રાફીક કન્ટેન્ટ નો વપરાશ કરતાં હોય કે પ્રસાર કરતાં હોય તો તેને બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવે! અને અઢી વર્ષ પછી સરકાર દ્વારા 857 જેટલી પોર્ન સાઈટને પ્રતિબંધ કરવામાં આવી!

કમલેશ વાસવાણી દ્વારા કરવામાં આવેલી જન હિત યાચિકા માં એક આંકડો આંખ પહોળી કરી દે એવો છે! ઈન્ટરનેટ પર કેટલી પોર્ન સાઇટ હશે તેનો અંદાજ આવે છે? આશરે ચાર કરોડ!

સમાચાર પત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ના દાવા અનુસાર લોકડાઉનનાં શરૂઆતના મહિનાઓ દરમિયાન આવી સાઈટ સર્ફિંગ કરવામાં 33% જેટલો ધરખમ વધારો જોવા મળ્યો હતો! કે જે વૈશ્વિક 10.5% કરતાં ત્રણ ગણો છે!

ઓસ્ટ્રેલિયન લેખિકા જારમૅન ગ્રીર કહે છે કે નાટકો, ઓપેરા, બૅલટ, ચિત્રો અને શિલ્પ કૃતિઓની આપણા સમાજ પર જેટલી અસર થઈ છે એના કરતાં વધારે અસર પોર્નોગ્રાફીથી થઈ છે!

પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પોર્ન કે તેને લગતું કંઈ પણ જોવું જોઈએ કે નહીં? બળાત્કારની ઘટનામાં પોર્નોગ્રાફી કેટલું ભાગ ભજવે છે?

વર્ષ, 2018માં એક સોળ વર્ષીય છોકરી પર તેની જ શાળા નાં ચાર છોકરાઓએ સ્વતંત્રતા દિવસની તૈયારીના બહાને મળીને સ્ટોર રૂમમાં રેપ કર્યો! અને જ્યારે તેમની તપાસ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે આ વિચાર તેને પોર્ન જોઈને આવેલો! અને આ ઘટના પછી ઉત્તરાખંડ હાઈ કોર્ટના કહેવા મુજબ 827 જેટલી પોર્ન સાઈટ બ્લોક કરવામાં આવી! અને અત્યાર સુધીમાં ટોટલ 3500 કરતાં પણ વધારે સાઇટ બ્લોક કરી દેવામાં આવી છે! પરંતુ તેના કારણે પોર્ન સાઈટ ઇન્ટરનેટ એવેલેબલ નથી એવું નથી. (આ આર્ટીકલ નાં રિસર્ચ માટે ય જ્યારે ઇન્ટરનેટમાં રીસર્ચ કર્યું ત્યારે ય પોર્નોગ્રાફી ક કન્ટેન્ટ સર્ચ ના કરવા છતાંય ઢગલાબંધ પોર્ન સાઈટ અને એડવર્ટાઇઝ પોપ અપ થયેલી!) ગ્લોબલાઇઝેશનનાં યુગમાં કોઈ પણ સાઇટને બ્લોક કરવી એટલી આસાન નથી. સાઇટ હેક કરીને Proxy કે VPNમાં ફેરફાર કરીને પણ યુવાઓ આરામથી સર્ફિંગ કરી શકે છે.

બળાત્કારની ઘટના પાછળનાં ઘણાં કારણોમાનું એક કારણ છે, પોર્નોગ્રાફી! જાતિય વૃત્તિ એ કુદરતી દેન છે. અને કુદરતી છે એટલે સંપૂર્ણ પણે પવિત્ર છે! ઉંમર વધવાની સાથે – યુવા યુવતીઓમાં બાયોલોજીકલ ફેરફારો આવવાની શરૂઆત થાય છે. અને ત્યારે જાતિય વૃત્તિ અને શારીરિક જ્ઞાન દેવું અત્યંત આવશ્યક છે. જેની આપણા સમાજમાં ખામી છે.

જે વસ્તુથી દૂર કરવાની કોશિશ કરવામાં આવે, એ બાજુ મન વધારે ખેંચાય એ મનુષ્યની સહજ વૃત્તિ છે. જાતીયતા કે સેક્સની બાબતમાં આપણે જેટલો ઢાંકપિછોડો કર્યો છે એટલો બીજા કોઈએ કર્યો નથી. અને એનું પરિણામ ઘણીવાર ભોગવવું પડે છે.

રજનીશજી એ કીધું છે કે જાણી લ્યો! જાણ્યા વગર બધું નકામું છે. કોઈ વસ્તુથી પર થવા માટે જરૂરી છે કે પહેલાં એ વસ્તુને જાણવી. બ્રહ્મચર્યની બડાસો ફૂંકતા સાધુ-બાવાઓને આ કોક સમજાવો.

એક સર્વે અનુસાર 70% છોકરાં છોકરી એ પ્રથમ વાર પોર્ન તેની 10થી 15વર્ષની ઉંમર દરમિયાન જોયું હોય છે! જાતિય વૃત્તિને પોષવાની બાબતમાં પોર્નોગ્રાફી એ ઉદ્દીપક નું કામ કરે છે, એમાં કોઈ શક નથી. વધતી જતી ઉમરે- શરીરમાં થતાં ફેરફારોને લીધે- એ તરફ ધ્યાન જવાનાં લીધે- તેનાં કારણો સમજવામાં રસ જાગે એ સ્વાભાવિક છે. પરંતુ વડીલોની કહેવાતી સાંસ્કૃતિક વૃત્તિના લીધે- કે બીજી કોઈ જગ્યાએ આ બાબત પર વાત ના થવાના લીધે- શરમાળ વૃત્તિના લીધે – સામેવાળી વ્યક્તિ ખોટી રીતે જજ કરી લેશે એવી માનસિક ભયના લીધે છોકરી કે છોકરો કોઈ બીજો રસ્તો શોધી લે છે. ટ્રેજેડી છે કે ગ્લોબલાઇઝેશન અને ઇન્ટરનેટ આવતાં જતાં ઓપનનેસ વધવી જોઈતી હતી એના બદલે ઘટતી જાય છે!

થોડાં સમય પહેલાં એક ભયાનક તથ્ય સામે આવ્યું કે જ્યારે કોઈ યુવતી ઉપર સામૂહિક બળાત્કાર કરીને એનું ખૂન કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર અખબારોમાં આવે છે ત્યારે વિવિધ પોર્ન સાઈટ્સ પર બળાત્કારનો ભોગ બનેલી છોકરીના નામે સર્ચ કરવાની પ્રવૃત્તિ વધી જાય છે. આપણે બળાત્કારનો વિડિયો જોવા આતુર બની જઈએ છીએ? કઈ દિશામાં જઈ રહ્યાં છીએ આપણે?

લેખક એફ એમ ક્રિસ્ટનશેનનું (ફૅરલ ક્રિસ્ટનશેન) કહેવું છે કે લોકો સમજી શકતા નથી કે પોર્નોગ્રાફી એ ફક્ત દિવાસ્વપ્ન છે!

વર્ષ,2017માં સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ એડવોકેટ આર્યમ સુંદરમ દ્વારા સુપ્રીમ કોર્ટમાં 9 જજોની બેંચ સમક્ષ પૂછ્યું કે, ‘શું હું કોર્ટમાં આવીને કહી શકું કે મારા ઘરમાં પોર્નોગ્રાફી જોવી એ મારો મૂળભૂત અધિકાર છે?’ અને આ પ્રશ્નના જવાબમાં જજ ચેલમેશ્વરે જવાબ આપ્યો કે, કેમ નહિ?!
પરંતુ બાળકોને પોર્નોગ્રાફીક કન્ટેન્ટમાં બતાવવાં એ ગુનો છે.

સ્ત્રીઓ- ખાસ તો છોકરીઓ દેહ પ્રદર્શન થાય તેવાં ટૂંકા ટાઇટ વસ્ત્રો પહેરે કે મોડી રાત સુધી બહાર રખડવું તેને બળાત્કાર નું કારણ ગણી લેવું એ આપણી નીચી માનસિકતા દર્શાવે છે. હાં, એવાં વસ્ત્રો એ પુરુષોની જાતિય વૃત્તિ ઉતેજીત કરવામાં ભાગ ભજવે એમાં ના પાડી શકાય નહીં, પરંતુ એમાં વાંક છોકરીઓનો નથી.

બળાત્કારની ઘટનામાં મુખ્યત્વે સ્ત્રીઓ પ્રત્યેનો તિરસ્કાર, બેરોજગારી, ઝેરી ગર્વ જન્માવતું કસરતી શરીર, જાતિ-ધર્મનું ખોટું અભિમાન, કાયદો અને વ્યવસ્થાની નબળાઈ, નશીલા દ્રવ્યોનું સેવન અને થોડે ઘણે અંશે પિતૃસત્તાત્મક સમાજ વગેરે જેવા ડઝનબંધ કારણો જવાબદાર છે.

તો કરવું શું જોઈએ એ પ્રશ્ન ઉપસ્થિત રહે છે. નારીવાદીઓની દલીલ છે કે પુરુષોએ પોતાની જાતિય વૃત્તિને પોતાની કાબૂમાં રાખવી જોઈએ એ ઘણે ખરે અંશે સાચું છે. પરંતુ જાતિય વૃતિમાં વિકૃતિ ક્યાંથી આવી? વિકૃતિનું કારણ શું? એન્કાઉન્ટર કરવાથી કે ફાંસી આપવાથી કે કડક સજાની જોગવાઈ કરવાથી બળાત્કારની ઘટનાઓ ડર કે બીકના લીધે ઓછી થઈ શકે, પરંતુ જડમૂળથી નાશ થઈ શકે નહિ. બળાત્કારની ઘટનામાં ઘણાં બધા અસરકારક પરિબળો ભાગ ભજવતાં હોય, આ દિશામાં તલસ્પર્શી અભ્યાસ કરી નિવારણ લાવવું આવશ્યક છે.

ચાર દિવાલની અંદર વ્યક્તિ પોતાનાં મોબાઈલ-લેપટોપ કે ટેબ્લેટમાં શું જોવું અને શું જોવું નહીં એ જાતે નક્કી કરી શકે છે. અને એ તેનો મૂળભૂત અધિકાર છે. પરંતુ પોતાની વ્યભિચારી ક્રિયાથી-કામથી સામાજિક માળખાને નુકશાન પહોંચે એવું કરવું, એ બુદ્ધિહીન અને સંવેદનહીન મનુષ્યનું લક્ષણ છે.

તણખો:


પૃથ્વી ઉછંગે ઊછરેલ માનવી
હું માનવી- માનવ થાઉં તો ઘણું!


-સુન્દરમ્

ડૉ.ભાવિક મેરજા

Related posts

Leave a Comment