વીર કર્મયોગી: વિવેકાનંદ
ગતાંકમાં આપણે નરેન્દ્રનાથ- સ્વામી વિવેકાનંદ બન્યા ત્યાં સુધી જોયું.
વિવેકાનંદ ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા માગતા નહીં. કોઈની સામે ભોજન માટે હાથ લંબાવવો નહીં તેવો એમનો દ્રઢ નિશ્ચય. પરંતું જો કોઈ સ્વયં બોલાવીને ભોજન આપે તો જ ભોજન ગ્રહણ કરવું આવા નિશ્ચય ને કારણે કેટલીક વખત દિવસો સુધી ભોજન મળતું ન હતું.
એક દિવસ સાંજે વિવેકાનંદ એક ઘોડાનાં તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. વિવેકાનંદએ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંઢામાં મૂક્યો ન હતો. ચહેરા ઉપર ભૂખની રેખાઓ સ્પષ્ટ ઉભરાતી હતી. ત્યાં ઊભેલા એક વ્યક્તિએ તેમને નમસ્કાર કર્યા અને પૂછ્યું – ‘સાધુ બાબા! આજે ભોજન નથી મળ્યું કે શું?’ સ્વામીજી એ સરળતાથી ઉત્તર આપ્યો – ‘હા ભાઇ, પાછલા બે દિવસથી મેં કઈ ખાધું નથી.’
એ વ્યક્તિ સ્વામીજીને પોતાની સાથે અંદર લઈ ગયો. ત્યાં તેણે પોતાનાં માટે બનાવેલી રોટલી અને મરચાંની ચટણી પીરસી અને પછી સૂકી રોટલી અને મરચાંની જલન શાંત કરવા માટે તડબૂચ અને તેનું પાણી પણ આપ્યું.
પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો. લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમનાં દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર વિવેકાનંદને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. પાછળથી તેમણે જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા, વડોદરાની મુલાકાત પણ લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાનપંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા. અને વેદનો અનુવાદ કરનારા દરબારનાં પંડિત સાથે પણ તેમણે કામ કર્યું. આવી જ રીતે દેશભરમાં ફરતાં-ફરતાં સંદેશો આપતાં રહ્યાં.
સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશ પણ જોશમાં ચાલી રહી છે, ત્યારે વિવેકાનંદની એક ટકોર આપણે યાદ રાખવા જેવી છે. એકવાર એક સમાજ સુધારક વિવેકાનંદ પાસે ગયા અને પૂછ્યું, ‘તમે મહીલાંઓને ટેકો આપો છો તે સારી બાબત છે , પણ હું શું કરું? હું પણ તેમને સુધારવા માંગું છું. હું પણ આને ટેકો આપુ છું.’
વિવેકાનંદે કહ્યું, ‘અડશો નહિ. તેમનાં વિશે તમારે કઈ કરવાની જરૂર નથી… તેમને એકલાં છોડી દો. તેમને જે કરવું હશે તે કરશે!’ બસ આટલું જ જરૂરી છે. કેટલી સીધી અને વ્યવહારિક વાત! બસ એને અડશો નહીં. જેમ કરે તેમ કરવા દો. એની રીતે એ એનું કરી લેશે!
એર્નાકુલમ ખાતે ડીસેમ્બર, ૧૮૯૨નાં પ્રારંભમાં તેઓ નારાયણ ગુરુનાં ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા. એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો પ્રવાસ કર્યો અને ૧૮૯૨માં ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી પહોંચ્યા.
આ દિવસોમાં જ અમેરિકાનાં શિકાગો નગરમાં “વિશ્વ ધર્મ સંમેલન”ની ઘોષણા થઈ. સંમેલન ઈસાઈ પાદરીઓ તરફથી પ્રયોજિત હતું. વિશ્વનાં મુખ્ય ધર્મોનાં પ્રતિનિધિઓ પોતાનપોતાનાં ધર્મનું સ્વરૂપ બતાવવા એકત્ર થવા માંડ્યા હતા. હિંદુ ધર્મના સિદ્ધાંતોને પાશ્ચાત્ય જગતની સમ્મુખ રાખવા માટે વિવેકાનંદે પણ ત્યાં જવાનું – ભાગ લેવાનું નક્કી કર્યું…અને ૩૧ મે, ૧૮૯૩ના દિવસે તેઓ અમેરિકા જવા રવાના થયા.
શિકાગો જઈને વિવેકાનંદને અનેક પ્રકારની કઠિનતાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેનાથી જરાયે વિચલિત થયા નહીં. જ્યારે વિવેકાનંદ ત્યાં પહોંચ્યા ત્યારે સંમેલનને પ્રારંભ થવામાં હજું બે-ત્રણ મહિનાની વાર હતી. અને ત્યાં કોઈની ઓળખાણ પણ ન હતી. ખાવા-પીવાથી લઈને રહેવાનાં પણ કોઈ ઠેકાણા ન હતાં.
શિકાગોની એક હોટલમાં થોડો સમય રહેવાનું નક્કી કર્યું. પરંતુ ત્યાં તેમને જગ્યા મળી નહી અને હોટલનાં માલિકે તેમનો તિરસ્કાર કરી હોટલમાંથી બહાર કાઢી નાંખ્યાં. બર્ફીલી રાત હતી. રોકાવા માટે કોઈ જગ્યા નહીં મળવાથી તેઓ રેલવે સ્ટેશન ગયા અને ત્યાં બેંચ પર જ આખી રાત પસાર કરી નાખી.
એક કઠિનતા એવી પણ હતી કે કોઈ સંસ્થાનાં પ્રતિનિધિ જ સંમેલનમાં ભાગ લઈ શકતા હતા. જ્યારે વિવેકાનંદ તો કોઈ જ સંસ્થાનાં પ્રતિનિધિ ન હતાં. ઉપરથી પોતાનાં ખર્ચ માટે જે રૂપિયા વિવેકાનંદ લઇ ગયા હતા તે પણ પૂરા થવા પર હતાં. એટલાં માટે ઓછામાં ઓછો ખર્ચ કરી, બચત કરવા માટે વિવેકાનંદે શિકાગો નગરની બહાર કોઈ ઉપનગરમાં રહેવાનો નિશ્ચય કર્યો.
ત્યાં વિવેકાનંદની મુલાકાત થઈ હાવર્ડ વિશ્વવિદ્યાલયનાં પ્રાધ્યાપક પ્રો.રાઈટ અને શ્રીમતી રાઈટ સાથે.(કે જે સંમેલનના પ્રમુખ અધિકારી હતા) એ પ્રાધ્યાપકે વિશ્વાસ આપ્યો કે સંમેલનમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે તેમને ભાગ લેવા અને ભાષણ આપવાની અનુમતિ અપાવી દેશે.
સંમેલન પ્રારંભ થયું અને આપણે જાણીએ છીએ એ મુજબ જ ‘Ladies And Gentelman’ સાંભળવા ટેવાયેલી જનતા ‘Brothers And Sisters’ નાં સંબોધનથી મત્રમુગ્ધ થઈ ગઈ. બાય ધ વે, વિવેકાનંદને પ્રથમ પ્રવચન માટે કેટલો સમય આપવામાં આવ્યો હતો જાણો છો? માત્ર ત્રણ મિનિટ!
સમસ્ત ધર્મના સારને પોતાનામાં સમાવી લેવું એ જીવતાં ધર્મની મહત્વની નિશાની છે..ધર્મ વહી શકે તો જ જીવતો રહી શકે. વિવેકાનંદ પોતાનાં પ્રથમ પ્રવચન ૧૧ સપ્ટેમ્બર,૧૮૯૩માં આ જ બાબત વિશે કહે છે કે, ‘હું એક એવા ધર્મનો અનુયાયી હોવાનો ગર્વ અનુભવ કરું છું, જેણે સંસારને સહિષ્ણુતા તથા સાર્વભૌમ સ્વીકૃતિ એમ બન્નેનું શિક્ષણ આપ્યું છે. અમે લોકો બધા ધર્મોં પ્રતિ કેવળ સહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી કરતા, પરંતુ સઘળા ધર્મો ને સાચા માનીને સ્વીકાર કરીએ છીએ. મને એવા દેશનાં વ્યક્તિ હોવાનું અભિમાન છે, જેણે આ પૃથ્વીના સમસ્ત ધર્મો અને દેશોના ઉત્પીડીતો અને શરણાર્થીઓને આશ્રય આપ્યો છે. મને આપને એ કહેતા ગર્વ થાય છે કે અમે અમારા અંતરમાં યહૂદિયોનાં વિશુદ્ધતમ અવશિષ્ટ ને સ્થાન આપ્યું હતું, જેમણે દક્ષિણ ભારતમાં આવી તે જ વર્ષે શરણ લીધું, જે વર્ષે તેમના પવિત્ર મંદિર રોમન જાતિના અત્યાચારથી ધૂળમાં મેળવી દેવાયું હતું. આવા ધર્મનો અનુયાયી હોવામાં હું ગર્વ નો અનુભવ કરું છું, જેણે મહાન જરથુષ્ટ્ર જાતિનાં અવશિષ્ટ અંશ ને શરણ આપ્યું અને જેનું પાલન તે હજુ સુધી કરે છે. ભાઈઓ, હું આપ લોકો ને એક સ્તોત્રની થોડી પંક્તિઓ સંભળાવવા માગું છું, જેનું પઠન હું બાળપણથી કરૂં છું અને જેનું પઠન પ્રતિદિન લાખો મનુષ્ય કરે છે:
રુચિનાં વૈચિત્ર્યાદૃજુકુટિલનાનાપથજુષામ્ |
નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઇવ ||
(અર્થાત્, જેમ વિભિન્ન નદિઓ ભિન્ન ભિન્ન સ્રોતોમાંથી નિકળી સમુદ્ર માં મળી જાય છે, તેજ રીતે હે પ્રભો! ભિન્ન ભિન્ન રુચિ અનુસાર વિભિન્ન આડા અવળા અથવા સીધા રસ્તે જાવાવાળા લોકો અંતે તો તારામાં જ આવીને મળી જાય છે!’)
આગળ કહે છે કે, ‘આ સભા, જે અત્યાર સુધીમાં આયોજિત સર્વશ્રેષ્ઠ પવિત્ર સમ્મેલનોમાંની એક છે, સ્વયં જ ગીતાના આ અદ્ભુત ઉપદેશનું પ્રતિપાદન અને જગત પ્રતિ તેની ઘોષણા છે:
યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ |
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ||
અર્થાત્, ‘જે કોઈ મારી તરફ આવે છે – ભલે કોઇ પણ પ્રકારે હો – હું તેમને પ્રાપ્ત થાઉં છું. લોકો ભિન્ન માર્ગ દ્વારા પ્રયત્ન કરતા કરતા અન્તમાં મારી તરફ જ આવે છે.’
કટ્ટરતા અને ધર્માંધતાથી આવેલા અંધત્વને અનુલક્ષીને એ જ પ્રવચનમાં વિવેકાનંદ આગળ કહે છે કે, ‘સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને તેની બીભત્સ વંશધર ધર્માધંતા આ સુંદર પૃથ્વી ઉપર બહુ સમય સુધી રાજ્ય કરી ચુકી છે. તે પૃથ્વીને હિંસાથી ભરતી રહી છે, તેને વારંવાર માનવતાના રક્તથી નવડાવતી રહી છે, સભ્યતાઓને નષ્ટ કરતી અને પૂરે પૂરા દેશોને નિરાશાની ખાઇમાં નાખતી રહી છે. જો આ બીભત્સ દાનવી ન હોત, તો માનવ સમાજ આજની અવસ્થાથી ક્યાંય વધારે ઉન્નત થઇ ગયેલ હોત. પણ હવે તેનો સમય આવી ગયો છે અને હું આંતરિક રૂપથી આશા કરૂં છું કે આજ સવારે આ સભાના સન્માનમાં જે ઘંટનાદ થયો છે, તે સમસ્ત ધર્માધંતાનો, તલવાર કે કલમ દ્વારા થનાર બધાં ઉત્પીડનોનો, તથા એક જ લક્ષ્યની તરફ અગ્રેસર થવાવાળા માનવોની પારસ્પારિક કડવાહટનો મૃત્યુનાદ સિદ્ધ થાય!’
પ્રથમ પ્રવચનનાં નવ દિવસ પછી એટલે કે, ૨૦ સપ્ટેમ્બર,૧૮૯૩નાં રોજ ઈસાઈઓને પણ ખખડાવીને કહે છે કે, ‘ઈસાઇઓએ સાચી આલોચના સાંભળવા માટે સદાય તૈયાર રહેવું જોઇએ, અને મને વિશ્વાસ છે કે જો હું આપ લોકોની થોડી આલોચના કરૂં, તો આપ માઠું નહીં લગાડો. આપ ઈસાઈ લોકો જે મૂર્તિપૂજકોના આત્માના ઉદ્ધાર કરવા માટે આપના ધર્મપ્રચારકોને મોકલવા એટલા ઉત્સુક રહો છો, તેમના શરીરોને ભૂખથી મરવાથી બચાવવા માટે કેમ કશું કરતા નથી ? ભારતવર્ષમાં જ્યારે ભયાનક દુષ્કાળ પડ્યો હતો, ત્યારે હજારો અને લાખો હિન્દૂ ભૂખથી પીડાઇને માર્યા ગયા; પણ આપ ઈસાઇયોએ તેનાં માટે કશું કર્યું નહીં. આપ લોકો આખાયે હિન્દુસ્તાનમાં ગિરજાઘરો બનાવો છો; પણ પૂર્વનો મુખ્ય અભાવ ધર્મ નથી, તેમની પાસે ધર્મ પુરતો છે. બળી રહેલાં હિન્દુસ્તાનનાં લાખો દુઃખી- ભૂખ્યા લોકો સુકાયેલાં ગળેથી અન્ન માટે ચિસો પાડી રહ્યા છે. તે આપણી પાસે અન્ન માગે છે, અને આપણે તેમને આપીએ છીએ પથ્થર! ભૂખ્યાજનોને ધર્મનો ઉપદેશ આપવો તે તેમનું અપમાન સમાન છે, ભૂખ્યાને તત્વજ્ઞાન શિખવવું તે તેનું અપમાન કરવા જેવું છે! ભારતવર્ષમાં જો કોઈ પુરોહિત દ્રવ્યપ્રાપ્તિ માટે ધર્મનો ઉપદેશ કરે, તો તેને જાતિબહાર કરી દેવામાં આવશે અને લોકો તેના પર થુંકશે. હું અહીંયા મારા દરિદ્ર ભાઈઓ માટે સહાયતા માંગવા આવ્યો હતો, પણ હું એ પૂરી રીતે સમજી ગયો છું કે મૂર્તિપૂજકો માટે ઈસાઈ-ધર્મીઓ પાસેથી, અને વિશેષ તો તેમનાંજ દેશ માં, સહાયતા પ્રાપ્ત કરવી કેટલું મુશ્કેલ છે!’
વિવેકાનંદ બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં માનવતાના- હિંદુ ધર્મના સાર આપતાં રહ્યાં. અને સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા.
તણખો
મેં મોક્ષની પ્રાપ્તિ માટે સન્યાસ નથી લીધો, પરંતુ માનવ સેવા માટે સન્યાસ લીધો છે!
-સ્વામી વિવેકાનંદ
ડૉ.ભાવિક મેરજા